બ્લુમબર્ગમાંથી : બીજા દેશોમાં મંજૂરી મળ્યાના સપ્તાહમાં જ વેક્સિનેશન શરૂ થયું હતું : પરંતુ ભારતમાં ભાવતાલને કારણે રસીકરણમાં મોડું.

0
0

કોરોનાથી બચવા માટે ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી તો મળી ગઈ, પરંતુ વેક્સિનના ડૉઝ હજુ સ્ટોરેજ બહાર નીકળી નથી શકતા. જ્યારે દુનિયાના અનેક દેશોમાં મંજૂરી મળ્યાના અઠવાડિયામાં જ વેક્સિનેશન શરૂ થઈ ગયું હતું. અમેરિકા-બ્રિટન તો એ મુદ્દે વિચાર કરી રહ્યા છે કે, વેક્સિનેશન ઝડપી કેવી રીતે થઈ શકે કારણ કે, તેમણે સમયસર વેક્સિનની કિંમતોને લગતી ડીલ કરી લીધી હતી.

સીરમ રસી બજારમાં વેચવા માગે છે

બીજી તરફ, ભારત સરકાર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અનેક દિવસોથી કોવિશીલ્ડ વેક્સિનની કિંમતના ભાવતાલ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તે મુદ્દે સંમતિ સાધી શકાઈ નથી. સીરમના સીઈઓ અદાર પૂનાવાલા ના મતે, ભારતીય અધિકારીઓ રૂ. 200ના સ્પેશિયલ ભાવે એક ડૉઝ ખરીદવા ઈચ્છે છે. તેમને આવા દસ કરોડ ડૉઝ જોઈએ છે. કેન્દ્રએ યુકે સરકાર પાસેથી રૂ. 292થી 365ના ભાવે વેક્સિન ખરીદી છે. આમ, સરકાર સીરમની વેક્સિનનો ભાવ તેનાથી પણ ઓછો આપવા માંગે છે. સીરમ તેની વેક્સિનને બે-ત્રણ મહિનામાં રૂ. 1000ના ભાવે ખુલ્લા બજારમાં વેચવા માંગે છે.

ગમે ત્યારે સોદા પર હસ્તાક્ષર થઈ શકેઃ ડો. ગુલેરિયા

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણના મતે, વેક્સિનેશન શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. જોકે, તેમણે વેક્સિનની કિંમત અને પુરવઠાને લગતા કરાર અંગે આખરી નિર્ણય લેવાયો કે નહીં તે વિશે કશું જણાવ્યું ન હતું. આ દરમિયાન કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, મોટા જથ્થામાં ખરીદી કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવતાલ ની તક હોય છે. વેક્સિન ખરીદવાની વાત ચાલી રહી છે. હવે ગમે ત્યારે ખરીદીના સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે.

આઠ દેશમાં ફરી વેક્સિનનું રિહર્સલ, કર્ણાટકમાં 50થી વધુ શિક્ષક સંક્રમિત, સ્કૂલો ફરી બંધ કરાઈ

દેશમાં આઠમી જાન્યુઆરીએ ફરી વેક્સિનેશનનું રિહર્સલ શરૂ થશે. જોકે, તે અનેક સ્થળે ચાલુ પણ છે. આ સ્થિતિમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. કર્ણાટકની વિવિધ સ્કૂલોમાં 50થી વધુ શિક્ષક સંક્રમિત નોંધાયા છે. અહીં પહેલી જાન્યુઆરીથી સ્કૂલો શરૂ થઈ હતી, પરંતુ હવે ફરી બંધ કરાઈ છે. એકલા બેલાગાવીમાં જ 22 શિક્ષક પોઝિટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકરે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી કારણ કે, સ્થિતિ પર નજર રખાઈ રહી છે.

અહીં સ્કૂલ-કોલેજ ખોલવાની તૈયારી

ગુજરાત: 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 અને કોલેજો
પંજાબ: 7 જાન્યુઆરીથી ધોરણ 5થી 12
રાજસ્થાન: 11 જાન્યુઆરીથી કોલેજ, 18 જાન્યુઆરીથી ધોરણ 9થી 12

1લીએ ડેટા માંગ્યો, 2જીએ લીલી ઝંડી આપી

નિષ્ણાત સમિતિએ કોવેક્સિનની મંજૂરીની સિફારિશ કરી હતી. હવે તેની બેઠકનો અહેવાલ એટલે કે મિનિટ્સ ઓફ મીટિંગ સામે આવી છે. તેમાં પહેલી જાન્યુઆરીએ સમિતિએ બાયોટેક પાસે ડેટા માંગ્યો અને બીજા દિવસે ડ્રગ કંટ્રોલરને મંજૂરી આપવા સૂચન પણ કરી દીધું. જાણો સમિતિએ ક્યારે શું કહ્યું…

નિષ્ણાત સમિતિએ કહ્યું- ડેટા અપૂરતો

નિષ્ણાત સમિતિએ નોટ્સમાં લખ્યું છે કે, કોરોનાના બદલાયેલા સ્વરૂપ પર પણ વેક્સિન અસરકારક દેખાઈ, પરંતુ પ્રસ્તુત ડેટા ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવા અપૂરતો છે. હાલના ટ્રાયલ ઘણાં વ્યાપક છે. તે 25,800 ભારતીય પર થઈ રહ્યા છે, 22 હજાર લોકો વેક્સિન સુરક્ષિત સાબિત થઈ છે. આમ છતાં, અસરકારકતાના સવાલ છે, જે બતાવવાના બાકી છે. અંતરિમ વિશ્લેષણના આધારે અસરકારકતાના ડેટા રજૂ થાય, જેથી આગામી નિર્ણય લઈ શકાય.

… અને 2 જાન્યુઆરીએ જનહિતમાં મંજૂરી

જાનવરો પર વેક્સિનની અસરના ડેટાને આધાર મનાયો અને નિષ્ણાત સમિતિએ જનહિતમાં વેક્સિનના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી. આ દરમિયાન કંપની ત્રીજા તબક્કાના ટ્રાયલ ડેટા પણ રજૂ કરશે. આ મંજૂરી માટે ભારત બાયોટેકે ‘અપડેટેડ ડેટા’ અને ‘ન્યાયસંગત જવાબ’ સમિતિને આપ્યા. જોકે, નોટ્સમાં એ નથી જણાવાયું કે, તે ‘અપડેટેડ ડેટા’ અને ‘ન્યાયસંગત જવાબ’ શું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here