વેક્સિનેશન : અમદાવાદમાં દિવ્યાંગ નાગરીકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

0
0

એક તરફ કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે. બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. વેક્સિનેશન માટે હવે સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં દિવ્યાંગ નાગરીકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દિવ્યાંગો માટે કોઈ પણ પ્રકારની અલગ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરંતુ અમદાવાદ બલાઈન્ડ પીપલ એસો. અને AMC દ્વારા આજથી બે દિવસ માટે દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું છે. જેમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવી છે.

500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવી
500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવી

પિતાએ દિવ્યાંગ પુત્રને વેક્સિન અપાવી
પોતાના દિવ્યાંગ પુત્રને વેક્સિનનો ડોઝ અપાવવા માટે આવેલા પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હું રિટાયર થયેલો વ્યક્તિ છું. મારી પરિસ્થિતિ એટલી સારી નથી કે હું પૈસા ખર્ચીને મારા પુત્ર અને પરિવારને વેક્સિન અપાવી શકું. હું સરકારી વેક્સિન લેવા માટે પ્રયત્નો કરતો હતો. પરંતુ અહીં મારા પુત્રને વેક્સિન મળશે એવું જાણવા મળ્યું હતું. જેથી હું મારા પુત્રને લઈને અહીં આવ્યો અને તેને મફતમાં વેક્સિન મળી છે. અહીં સુવિધાઓ પણ સારી છે. અમારા જેવા લોકોની મદદ કરનારનો હું આભારી છું. હું દરેકને વેક્સિન લેવા માટે અપીલ કરું છું.

અમદાવાદમાં દિવ્યાંગો માટે રસીકરણનું આયોજન
અમદાવાદમાં દિવ્યાંગો માટે રસીકરણનું આયોજન

અંધજન મંડળના લોકોએ મને તમામ સલાહ આપી
આ ડ્રાઈવ થ્રુમાં વેક્સિન લેનાર પપ્પુભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમારા જેવા દિવ્યાંગ લોકોને વેક્સિન લેવી હોય તો ઘણી તકલીફ પડે છે. પરંતુ આ સંસ્થાઓ હજી પણ અમારા જેવા લોકો માટે કામ કરી રહી છે. હું અહીં સુધી રિક્ષામાં આવ્યો અને રજિસ્ટ્રેશન કરાવ્યું બાદમાં મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. જેમાં મને કોઈ તકલીફ પડી નથી. AMC સહીત અંધજન મંડળના લોકોએ મને તમામ સલાહ આપી. સરકારના અભિયાનમાં અમે દિવ્યાંગ લોકો પણ ખભેથી ખભો મિલાવીને જાગૃતિ ફેલાવી રહ્યા છે.

અમદાવાદમાં પાંચ લાખ 40 હજાર લોકોએ વેક્સિન લીધી
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ લાખ 40 હજાર 854 લોકોએ રસી લીધી છે. જેમાં 4 લાખ 44 હજાર 464 લોકોએ પ્રથમ ડોઝ અને 96 હજાર 390 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે આજે 7616 લોકોએ વેક્સિન લીધી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 23 લાખ 35 હજાર 334 લોકોએ રસી લીધી છે. જેમાં 18 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 4 લાખ 37 હજાર 201 લોકોએ બીજો ડોઝ લીધો છે. આજે શહેરમાં 36 હજાર 157 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here