જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે, 30 કરોડ લોકોને વેક્સિન લગાવવા પર સરકાર રૂ. 13 હજાર કરોડ ખર્ચ કરશે

0
0

કોરોનાને હરાવવા માટે ભારતમાં જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી કેટલાંક અઠવાડિયાંમાં કેટલીક વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. બે કંપનીએ તેના માટે અરજી કરી દીધી છે. ક્લિનિકલ ટ્રાયલ્સની વધુ છ વેક્સિન ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં છે. ભારતમાં અત્યારસુધીમાં 1 કરોડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

બીજી તરફ, નાણાં મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે કે ઓગસ્ટ સુધીમાં કેન્દ્ર સરકાર 30 કરોડ લોકોના વેક્સિનેશન પર 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. પ્રથમ તબક્કા માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. બિહાર અને કેરળ સરકારે જાહેરાત કરી છે કે તેમના રાજ્યના લોકોને વિનામૂલ્યે આ વેક્સિન મળશે. ટૂંક સમયમાં અન્ય રાજ્યો પણ આવી જાહેરાત કરી શકે છે.

પ્રથમ તબક્કાના વેક્સિનેશન માટે 60 કરોડ ડોઝ

પ્રથમ તબક્કા માટે ભારતને 60 કરોડ ડોઝની જરૂર છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું છે કે એ માર્ચ સુધીમાં 50 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. સીરમે પણ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે પણ આવેદનપત્ર કર્યું છે. ભારત બાયોટેકની કોવાક્સિન પણ આ રેસમાં આગળ છે.

16 કરોડથી વધુ ટેસ્ટ થયા, જેમાં 6.25% લોકો સંક્રમિત મળ્યા

દેશમાં 16 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી અત્યારસુધીમાં 1 કરોડ 4 હજાર એટલે કે 6.25% લોકોને સંક્રમણ લાગ્યું છે. સારી વાત એ છે કે 95 લાખ 49 હજાર 923 લોકો સાજા પણ થઈ ગયા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 1 લાખ 45 હજાર 171 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 18 દિવસના આંકડા પર નજર કરીએ તો 1.20 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. હવે ફક્ત 3 લાખ 7 હજાર 97 દર્દી બાકી છે, જેની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26 હજાર 991 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને 29 હજાર 879 લોકો સાજા થયા છે. 342 દર્દી મૃત્યુ પામ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટસ…

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના વાઇરસનું વેક્સિનેશન વોલન્ટિરી ધોરણે થશે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ડેવલપ કરવામાં આવેલી વેક્સિન પણ એટલી જ અસરકારક રહેશે, જેટલી બીજા દેશોમાં બનાવવામાં આવી રહેલી વેક્સિન છે. પોતાને અને અન્ય લોકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિનનો સંપૂર્ણ અભ્યાસક્રમ લેવાની સલાહ પણ આપવામાં આવી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હોમ આઇસોલેશનમાં છે. તેમણે આ બાબતે સોશિયલ મીડિયા આ જાણકારી આપી હતી.

આયુષ મંત્રાલયે કહ્યું હતું કે દેશના બે તૃતીયાંશ લોકો આયુષ માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. દિલ્હીમાં એસોચેમના કાર્યક્રમમાં મંત્રાલયનાં સચિવ વિદ્યા રાજેશ કોટેચાએ શુક્રવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું- તે ઉકાળો હોય કે હળદર-દૂધ અથવા હોમિયોપેથી, દેશના લગભગ 86% લોકો આયુષની ઓછામાં ઓછી એક માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે.

દિલ્હીમાં કોરોનાની ગતિમાં ઘટાડો થતો હોય એવું લાગે છે. શુક્રવારે અહીં 88 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર કોરોનાના 1418 કેસ નોંધાયા છે. જ્યારે 2160 લોકો કોરોનાને હરાવ્યો અને 37 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હીમાં કુલ 76 લાખ 29 હજાર 748 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

5 રાજયની પરિસ્થિતિ

1. દિલ્હી

અહીં શુક્રવારે 1418 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 2160 લોકો સાજા થયા છે અને 37 લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં અહીં 6 લાખ 14 હજાર 775 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે, જેમાં 11 હજાર 419 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 5 લાખ 93 હજાર 137 લોકો સાજા થઈ ચૂક્યા છે.

2.મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં 1181 કેસ નોંધાયા હતા. 1450 લોકો સ્વસ્થ થયા અને 11 દર્દી મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 2 લાખ 29 હજાર 130 લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2 લાખ 13 હજાર 801 સાજા થયા, જ્યારે 3 હજાર 453 લોકો મૃત્યુ પામ્યા. હાલ 11 હજાર 876 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

3. ગુજરાત

અહીં ગત દિવસે 1075 લોકો પોઝિટિવ મળી આવ્યા. 1155 લોકો સાજા થયા અને 9 લોકોનાં મૃત્યુ થયાં. અત્યાર સુધીમાં 2 લાખ 33 હજાર 263 લોકોને સંક્રમણ લાગ્યું છે, જેમાં 12 હજાર 260 દર્દી સારવાર હેઠળ છે. 2 લાખ 16 હજાર 783 લોકો સાજા થયા છે, જ્યારે 4220 લોકોનાં મોત નીપજ્યાં છે.

4. રાજસ્થાન

રાજસ્થાનમાં શુક્રવારે 1076 કેસ નોંધાયા હતા. 1655 લોકો સાજા થયા અને 10 લોકોનાં મૃત્યુ થયાં. અત્યાર સુધીમાં 2 લાખ 97 હજાર 29 લોકોને સંક્રમણ લાગ્યું છે, જેમાંના 13 હજાર 58 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 81 હજાર 372 લોકો સાજા થયા છે, 2599 લોકો મૃત્યુ પામ્યા છે.

5. મહારાષ્ટ્ર

છેલ્લા 24 કલાકમાં અહીં 3994 કેસ મળી આવ્યા હતા. 4467 દર્દી સાજા થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 18.88 લાખ કેસ નોંધાયા છે. 17.78 લાખ દર્દી સાજા થયા છે. 48 હજાર 574 દર્દી મૃત્યુ પામ્યા છે. હવે કુલ 60 હજાર 352 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here