Wednesday, September 22, 2021
Homeરસીની પીડા : વેક્સિન લેવા કલાકો લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ રસી...
Array

રસીની પીડા : વેક્સિન લેવા કલાકો લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ રસી ન મળી

રાજકોટમાં રસીની અછત કરતા હવે તંત્રની નિષ્ફળ નીતિ અને અવ્યવસ્થાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં રોષ ફાટી નીકળતા આરોગ્ય કેન્દ્રો પર રકઝક થઈ રહી છે. પરેશાન થયેલા લોકોને સમજાવવાને બદલે મનપાના નિષ્ફળ નિવડેલા અધિકારીઓ અને પદાધિકારીઓને પોલીસને બોલાવી રહ્યા છે અને પોલીસ ખાખીના જોરે રસી લેવા આવેલા લોકોને તગડી રહી છે. રસી મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તો સ્ટોકની અછત પાછળ મેયર પ્રદીપ ડવે વાહિયાત કારણ આપતા કહ્યું છે કે, ‘લોકોમાં અચાનક જાગૃતિ વધી જતા સ્ટોક ઘટી રહ્યો છે’.

રાજકોટમાં રસીકરણ વધે તે માટે તંત્રએ શામ, દામ, દંડ, ભેદ બધું જ કરી લીધું છે. રોજગારના સ્થળ પર રસી ફરજિયાત કરવાનો છુપો આદેશ કરાતા લોકોને કામે જવું હોય તો રસી લેવા મજબૂર બન્યા હતા. રસી વગર ફળ-શાકભાજી વેચતા ફેરિયાઓના માલ સામાનને લાત મારી કાઢી મૂક્યા. પોલીસને બોલાવીને આરોપીઓ હોય તેમ વાનમાં બેસાડી ઈચ્છા હોય કે ન હોય રસીકરણ કેન્દ્ર લઈ જતા હતા. વેપારીઓને ધરાર વેક્સિન લેવા મજબૂર કરવા આખરી તારીખોની ધમકી આપી. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવ્યું.

આ બધું જ કરી લીધા બાદ જ્યારે પ્રજા ડરીને, મજબૂર બનીને રસી લેવા આવી છે ત્યારે મહાનગરપાલિકા પાસે સ્ટોક નથી જેથી સવારે 7 વાગ્યાથી રસીકરણ કેન્દ્રો પર લાઈન લાગે છે. જે પોલીસ રસી લેવા માટે ફરજ પાડતી હતી તે જ પોલીસના ડરથી આરોગ્ય કેન્દ્રો પર લોકોને કાબૂમાં કરાઈ રહ્યા છે. મનપાએ એવો મનઘડંત નિયમ બનાવ્યો છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન હોય તો પણ ફરજિયાત ટોકન લેવું અને જેણે ટોકન લીધું હોય અને વારો આવ્યો હોય તેમને ઓનલાઈન રજિસ્ટ્રેશનને પ્રાથમિકતા અપાશે તેવું કહીને તેમને પણ કાઢી મૂકવા.

નાનામવા અને શ્યામનગર બાદ અમીન માર્ગના આરોગ્ય કેન્દ્રો પર ધમાલ થતા પોલીસનો ઉપયોગ કરાયા બાદ હવે દરેક કેન્દ્ર પર પોલીસ બેસાડાશે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નાયબ કમિશનરને કેન્દ્રો પર દોડાવ્યા હતા પણ પોતે કોઇ કેન્દ્ર પર ગયા નથી. બુધવારે 6000નું રસીકરણ કરાયું હતું અને તેના માટે 30 કેન્દ્ર રાખ્યા હતા. ગુરુવારે પણ તેટલો જ સ્ટોક છે અને તેટલા જ કેન્દ્રો છે. દરેક કેન્દ્ર પર 200 જ ડોઝ અપાશે પણ આ 200 ડોઝ માટે 500થી વધુ લોકોની કતાર લાગશે તેની તંત્રને ખબર હોવા છતાં કોઇ વ્યવસ્થા કરાઈ નથી.

વીરા મને તો રસી આપ, વૃદ્ધા બે કલાક બેસી રહ્યા છતાં રસી ન મળી
જંક્શન આરોગ્ય કેન્દ્રમાં 90ની આસપાસ ઉંમર ધરાવતા વૃદ્ધા હાથમાં આધારકાર્ડ લઈને સવારે 8.30 વાગ્યાથી રસી લેવા માટે આવી ગયા હતા. રસીની રાહમાં 11.30 વાગ્યા સુધી બેઠા રહ્યા. જ્યારે પૂછ્યુ કે હવે તો રસી આપો ત્યારે જવાબ આવ્યો કે ‘પૂરું થઈ ગયું કાલે આવજો’.

મનપાની આબરૂ ન જાય તેના ભોગે લોકોને પરેશાન કરાઈ રહ્યા છે
ઓનલાઈન બુકિંગને આધારે રસી ફરીથી ચાલુ થાય તો ટોકન લેવાની પળોજણમાંથી બચી શકાય, પણ રાજકોટ મનપા એવું કરવા જાય તો સાબિત થાય કે સ્પોટ રજિસ્ટ્રેશન કરી શક્યા નહિ. આ મહેણું ન લાગે અને આબરૂ ન જાય તે માટે સ્પોટ રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે જેથી લોકોને કતારમાં ઊભું રહેવું પડે છે. જો સ્લોટ બુક કરાય તો તેટલા જ લોકો રસી લેવા આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments