વેક્સિનનો વેપાર : GMDC ગ્રાઉન્ડમાં પેઇડ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ

0
4

કોરોનાનું સંક્રમણ વધતાં 18થી 44ની ઉંમરની વયના લોકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાનો જે ટાર્ગેટ હતો એ પૂરો ના થઈ શકતાં કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, જોકે એમાં પણ વેક્સિન ખૂટી જતાં બંધ કરવામાં આવ્યું અને હવે ફરીથી ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન થઈ શકે છે અને 1000 રૂપિયા ખર્ચીને લોકો વેક્સિન લઈ શકે છે. GMDC ગ્રાઉન્ડમાં સવારના 6વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા છે.

વેક્સિન લેવા સવારથી જ લોકોની લાંબી લાઇન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હતા. એ બાદ વેક્સિનેશન પણ ડ્રાઇવ થ્રુ કરવામાં આવી રહ્યું છે. GMDC ગ્રાઉન્ડમાં કોર્પોરેશન દ્વારા અપોલો હોસ્પિટલના માધ્યમથી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે વેક્સિન લેવા માટે સવારથી જ લોકો ગાડી લઈને લાંબી લાઇનમાં ઊભા છે. 200થી વધુ કારચાલક પોતાની ગાડી લઈને વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા છે.

1000 રૂપિયા લઇને વેક્સિન આપવામાં આવે છે.
1000 રૂપિયા લઇને વેક્સિન આપવામાં આવે છે.

એપોલો હોસ્પિટલના બેનરમાં કોર્પોરેશનનું નામ જ નથી

કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્પોટ પર જ રજિસ્ટ્રેશન થતું હતું અને વેક્સિન માટે 1000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા ઈન સ્પોટ રજિસ્ટ્રેશન નિર્ણયને લઈને સોશિયલ મીડિયામાં ટીકા થઈ હતી, જેને કારણે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના ચાલી રહેલી જગ્યા પરથી એપોલો હોસ્પિટલના બેનરમાં કોર્પોરેશનનું નામ જ નથી. વિરોધને પગેલ કોર્પોરેશન દ્વારા પીછેહઠ કરવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવે છે ત્યાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન થતું નથી અને બીજી તરફ 1000 રૂપિયા લઇને વેક્સિન આપવામાં આવે છે ત્યાં એડવાન્સ રજિસ્ટ્રેશન જરૂરી નથી. સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેથી કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલને લાભ કરાવામાં આવી રહ્યો છે.

GMDCમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન થતું હોવાથી પૈસા ખર્ચીને વેક્સિન લેવા આવ્યા.
GMDCમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન થતું હોવાથી પૈસા ખર્ચીને વેક્સિન લેવા આવ્યા.

ગ્રાઉન્ડની બહાર 150થી વધુ ગાડીઓની લાઇન

પેઇડ વેક્સિનેશન માટે સવારના 6 વાગ્યાથી જ લોકો આવીને લાઈનમાં ઊભા છે. GMDC ગ્રાઉન્ડની અંદર 70 જેટલી ગાડી, જ્યારે ગ્રાઉન્ડની બહાર 150થી વધુ ગાડી લાંબી લાઇનમાં ઊભી છે. કારચાલક ઉપરાંત ટૂ-વ્હીલરચાલક પણ લાઈનમાં જ ઊભા છે. લોકોએ સરકાર તરફથી આપવામાં આવતી વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા પ્રયત્ન કર્યા, પરંતુ એમાં સ્લોટ તાત્કાલિક જ બુક થઈ જાય છે અને GMDCમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન થતું હોવાથી પૈસા ખર્ચીને વેક્સિન લેવા આવ્યા છે.

સવારે 6 વાગે આવ્યા ત્યારે 9 વાગે નંબર લાગ્યો

વેક્સિન લેવા લાઈનમાં ઊભેલા વિશાલ પટેલે જણાવ્યું હતું કે અમે સવારે 6 વાગ્યા વેક્સિન લેવા લાઈનમાં ઊભા છીએ. અમારો બીજો જ નંબર હતો અને 9 વાગે વેક્સિનેશન શરૂ થતાં અમારો નંબર લાગ્યો છે. અગાઉ વેક્સિન લેવા માટે મેં ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ અનેક પ્રયત્ન બાદ ના થતાં આજે અહીં વેક્સિન લેવા માટે આવવું પડ્યું છે.

પેઇડ વેક્સિનેશન માટે સવારના 6 વાગ્યાથી જ લોકો આવીને લાઈનમાં ઊભા છે.
પેઇડ વેક્સિનેશન માટે સવારના 6 વાગ્યાથી જ લોકો આવીને લાઈનમાં ઊભા છે.

ફ્રી વેક્સિન ન મળી તો આજે રૂ.1 હજાર ખર્ચા

જૈમિન શાહે જણાવ્યું હતું કે હું 45 મિનિટથી વેક્સિન માટે ગાડી લઈને રાહ જોઈ રહ્યો છું. અમારી આગળ 150 જેટલી બીજી ગાડીની લાઈન છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટે પ્રયત્ન કર્યા છે પરંતુ જેવા સ્લોટ ખૂલે તરત જ ફુલ થઈ જાય છે એટલે ફ્રીમાં મળતી વેક્સિન ના મળતાં આજે 1000 રૂપિયા ખર્ચીને વેક્સિન લેવા આવ્યો છું.

ગ્રાઉન્ડમાં વેક્સિનેશન માટે 4 ડોમ મૂકવામાં આવ્યાં

એપોલો હોસ્પિટલના ઓફિસર ડૉ.બાલાજી પિલ્લાઈએ જણાવ્યું હતું કે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે એ એપોલો હોસ્પિટલ તરફથી છે. AMCએ GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે અમને આમંત્રણ જ આપ્યું છે. ઓન સ્પોટ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે AMCએ જ એને પરમિશન આપી છે. અમારા કુલ 55 માણસો અત્યારે કામમાં છે. 4 ડોમ અહીં મૂકવામાં આવ્યાં છે. AMC તરફથી GMDC ગ્રાઉન્ડનું ભાડું આપવા કહ્યું નથી અને ભાડું આપવાની કોઈ જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here