વડોદરા : સરકારી જમીન અપાવવાના બહાને 1.55 કરોડ ખંખેરી લીધા

0
2

વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહીને જમીન ફાળવણી કરાવી આપવાના બહાને લોકોને ઠગતી નેહા પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. વરાછાના આધેડને અડાજણ સ્ટાર બજારની પાછળ આવેલી સરકારી જમીનની ફાળવણી કરાવી આપવા તેમજ કામરેજના વાલક ગામે આવેલી જમીનના ટાઇટલ ક્લિયર કરી આપવાને બહાને કુલ 1.55 કરોડ રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઇ છે.

વરાછાના હીરાબાગ શિરડીધામ સોસાયટીમાં રહેતા મધુભાઈ રવજીભાઈ ખોખર (ઉવ.53) અગાઉ જમીન લે વેચ તથા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. હાલ નિવૃત્ત જીવન ગાળે છે. વર્ષ 2016માં તેમનો સંપર્ક હાલ બારડોલીના બાબેન ગામના બાબેન બંગ્લોઝમાં રહેતી નેહા ધર્મેશ પટેલ સાથે થયો હતો. નેહાએ પોતે વડોદરા ખાતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી આઇ કાર્ડ પણ બતાવ્યો હતો. ત્યાર બાદ નેહાએ અડાજણ સ્ટાર બજારની પાછળ આવેલ ટી.પી સ્કીમ નં-31, ફાઇનલ પ્લોટ નં-189 વાળી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની લાલચ આપી આ જમીન ફા‌ળવણી કરાવવા માટે રૂ. 2 કરોડની માંગણી કરી હતી.

ત્યારબાદ નેહાએ જમીન અપાવવાના બહાને મધુભાઇ પાસે ટુકડે ટુકડે કરી રૂ.1.30 કરોડ ખંખેરી લીધા હતા. ત્યારબાદ કામરેજ તાલુકાના વાલક ગામે આવેલી 73 એએ વાળી જમીનના ટાઇટલ ક્લિયર કરી આપવાને બહાને બીજા રૂ. 25 લાખ મળી કુલ રૂ.1.55 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જોકે બાદમાં ઠગ નેહાએ સરકારી જમીન પણ ન અપાવી કે જમીન ક્લિયર પણ ન કરી આપી. ત્યારબાદ તે સુરતનું ઘર છોડીને બાબેનમાં રહેવા ચાલી ગઇ હતી.

પોલીસમાં પકડાયા બાદ પણ નેહાએ મધુભાઇને જામીન પર છુટ્યા બાદ જમીનની ફાળવણી કરાવી આપવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જોકે, પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા મધુભાઇએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી કલેક્ટર હોવાનો રોફ મારતી નેહા પટેલે અનેક લોકો પાસેથી જમીન ફાળવણીના નામે નાણા પડાવી લીધાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here