વડોદરા : સરકારે આપેલી એક મહિનાની મુદત પૂર્ણ, 10 હજારમાંથી માત્ર 100 વાહનનું સ્કૂલવાન તરીકે રજિસ્ટ્રેશન થયું

0
13

વડોદરા: સ્કૂલ વાન સંચાલકોને નિયમ મુજબ વાનમાં બદલાવ કરી કોમર્શિયલ પાસિંગ કરાવી રજિસ્ટ્રેશન કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપેલી એક મહિનાની મુદત પૂર્ણ થવા આવી છે, ત્યારે આરટીઓ દ્વારા ફરી એક વખત ચેકિંગ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

બાળકો ભગવાન ભરોસે જોખમી મુસાફરી કરી રહ્યાં છે
સ્કૂલ વાન ચાલકો દ્વારા વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીનતા દાખવી એક મહિનો પસાર કરવામાં આવ્યો છે, ત્યારે બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બાળકો ભગવાન ભરોસે જોખમી મુસાફરી કરી રહ્યાં છે. આરટીઓના આંકડા મુજબ માત્ર 100 વાન ચાલકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અંદાજે 1‌0 હજાર વાન સ્કૂલ વર્દી સાથે સંકળાયેલી છે. અંદાજે 1 લાખ બાળકો વાન દ્વારા શાળાએ જાય છે, ત્યારે આરટીઓ દ્વારા બાળકોના જોખમી પરિવહન સામે લાલ આંખ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ફરી વખત શહેરમાં ઝુંબેશ શરૂ કરાશે.

પોલીસ સાથે સંકલન કરાશે
ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ઝુંબેશ શરૂ કરાશે. એક માસની મુદત પૂરી થવા આવી છે. છતાં ગણ્યાગાંઠ્યા વાનવાળાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
-ડી.ડી. પંડ્યા, આરટીઓ

પોલીસ વેરિફિકેશનમાં વાર લાગે છે
અમને પોલીસ કમિશ્નર દ્વારા એક સ્થળેથી પોલીસ ક્લિયરન્સ આપવાનું કહ્યું હતું. પરંતુ નર્મદા ભવન અને પોલીસ સ્ટેશનનાં ચક્કર કાપવામાં સમય વીતે છે. અમે રજિસ્ટ્રેશન કરાવવાના છીએ. પરંતુ સ્પીડ ગવર્નર માટે પણ રૂ. 3થી 5 હજાર લેવાય છે. એક નિયત ભાવ હોવો જોઇએ.
-જીવણ ભરવાડ, ઇન્ટુક

દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે?
વાલી મંડળના અગ્રણી વિનોદ ખુમાને જણાવ્યું હતું કે, સ્કૂલ વર્દીવાન અંગે અમે વારંવાર પોલીસ અને સરકારને રજૂઆત કરી છે. ફરિયાદો પણ કરી છે. પરંતુ તે ફરિયાદોને ઘોળીને પી ગયા છે. ફરી કોઇ દુર્ઘટના થાય તેની રાહ જોતા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here