વડોદરા : ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ઠગાઇ કરતા મામા-ભાણેજની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી

0
27

વડોદરા: ડેટા એન્ટ્રીનું ઘર બેઠા કામ આપવાના બહાને છેતરપિંડી કરતા બનાસકાંઠાના ભેજાબાજ મામા-ભાણેજની સાઇબર ક્રાઇમે પાટણથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજોએ ફોન કરીને વડોદરાની એક યુવતીને એક પેજ ડેટા એન્ટ્રીના કામના 20 રૂપિયા આપવાની લાલચ આપીને રૂપિયા 2,500ની છેતરપિંડી કરી હતી.

પેજના 20 રૂપિયા આપવાનું કહેતા અર્પિતાએ કામ કરવાની તૈયારી દર્શાવી
વાઘોડિયા રોડ ઉપર આવેલા સનમિલન કોમ્પ્લેક્ષના સંસ્કૃતિ ટાવરમાં અર્પિતાબહેન શાંતિલાલ માછી પરિવાર સાથે રહે છે. અર્પિતાએ નર્સિંગનો કોર્સ કર્યો હોવાથી તેઓએ ક્વિકર ઉપર પોતાનો બાયોડેટા મૂક્યો હતો. જે બાયોડેટા જોઇને કરણ તન્ના નામના વ્યક્તિએ તેઓને વોટ્સએપ ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે, હું અમદાવાદની ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું. અને અમારી એજન્સી દ્વારા ઘરે બેઠા ડેટા એન્ટ્રી આપે છે અને એક પેજના 20 રૂપિયા આપીએ છે. તેમ જણાવતા અર્પિતા માછીએ કામ કરવાની તૈયારી બતાવી હતી.

પહેલાં 1500 અને પછી 1 હજાર રૂપિયા આપ્યા
દરમિયાન ભેજાબાજ કરણ તન્નાએ અર્પિતાને જણાવ્યું કે, કામ મેળવવા માટે રૂપિયા 1500 ભરવા પડશે. અર્પિતાએ 1500 રૂપિયા કરણે આપેલા તેના મામા ભુપેન્દ્ર ભેમજીભાઇ ઠક્કરના બેંક એકાઉન્ટમાં ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટ્રેનિંગના નામે રૂપિયા 1000 મંગાવતા અર્પિતાએ બીજી વખત ડેટા એન્ટ્રીનું કામ મેળવવાની લાલચમાં રૂપિયા 1000 ટ્રાન્સફર કર્યાં હતા.

છેતરપિંડી થતાં યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
બે વખતમાં રૂપિયા 2500 ટ્રાન્સફર કર્યા બાદ ડેટા એન્ટ્રીનું કામ ન મળતા અર્પિતા માછીએ 27 જુલાઇના રોજ સાઇબર ક્રાઇમમાં ભેજાબાજ કરણ તન્ના અને તેના મામા ભુપેન્દ્ર ઠક્કર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમના પી.આઇ. જે.કે. ડોડિયાએ ટીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી બનાસકાંઠાના ઠક્કરવાસ, કામઢી મોટાવાસમાં રહેતા ભુપેન્દ્ર ભેમજીભાઇ ઠક્કર અને બનાસકાંઠા ગોઠીવાસ સાસમમાં રહેતા કરણ પ્રકાશભાઇ તન્નાની પાટણથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બંને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
પી.આઇ. જે.કે. ડોડિયાએ જણાવ્યું હતું કે, ભેજાબાજ મામા-ભાણેજમાં ભુપેન્દ્ર ઠકકરે ધોરણ-12 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે. અને તે બનાસકાંઠા ડેરી પાસે છેલ્લા 3 વર્ષથી મિનરલ વોટર પ્લાન્ટ ચલાવે છે. જ્યારે કરણ તન્ના ઉંઝા વી.એસ. લો કોલેજમાં એલ.એલ.બી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ભેજાબાજોએ પૂછપરછમાં જણાવ્યું છે કે, પૈસાની જરૂરીયાત હોવાથી ભેજાબાજોએ ઓનલાઇન છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો હતો. આ ભેજાબાજોએ ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને કેટલાં લોકો સાથે છેતરપિંડી કરી છે. તે અંગે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here