વડોદરાઃ ચેપી રોટાવાયરસથી થતાં જીવલેણ ઝાડાથી બાળકોને બચાવવા માટે શહેર-જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બાળકોને રોટા રસી મુકવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ચેપી રોટાવાયરસથી દેશમાં વર્ષે 78 હજાર બાળકોના મૃત્યુ થાય છે. રોટા વાયરસમાં બાળકને ઝાડા થઇ જાય છે. જે બાળકો માટે જીવલેણ પુરવાર થાય છે.
8 તાલુકાના આરોગ્ય કેન્દ્રો સહિત 242 સેન્ટરો
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, આ રસી બાળકના મ્હોંમા ઇન્જેક્શનની સીરીંજનો પિચકારી તરીકે ઉપયોગ કરીને છંટકાવના રૂપમાં આપવામાં આવે છે. ખાનગી દવા ખાનાઓમાં આ રસી રૂપિયા 1500માં આપવામાં આવે છે. સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવે છે. અને જિલ્લાના 8 તાલુકાના આરોગ્ય કેન્દ્રો સહિત 242 સેન્ટરો ખાતે તા.1લી જુલાઇથી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 6 દિવસમાં 330 બાળકોને રસી આપવામાં આવી છે. બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી 6, 10 અને 14 અઠવાડીયાની ઉંમરે રોટાવાયરસ રસી આપવામાં આવે છે.
રોટાવાયરસના લક્ષણો
- રોટાવાયરસથી થતાં ઝાડા પાણી જેવા થાય છે
- સતત ત્રણ દિવસ થાય છે
- ઉલટીઓ પણ થવાની શક્યતા રહેલી છે
રોટાવાયરસથી બચવાના ઉપાયો
- ઘરમાં સ્વચ્છતા જાળવવી
- સ્વચ્છ હાથ ધોવા અને બાળકને ધોવડાવવા
- બાળકને માતાનું ધાવણ 3 વર્ષ સુધી આપવું
- બાળકને વિટામીન- એ આપવું