ડભોઇ : ઢાઢર બેકાબૂ 22 ગામ એલર્ટ પર, ડભોઇ પંથકમાં ઢાઢર બે કાંઠે થતાં છત્રાલ ગામમાં પાણી ફરી વળ્યાં

0
73

ડભોઇ: ડભોઇ પંથકમાં ઢાઢર બે કાંઠે આવતાં છત્રાલ ગામમાં પાણી ફરી વળ્યાં હતા.જોકે કોઇ પણ ઇસમોને સ્થળાતંર કરવાની જરૂર નથી પડી. પરંતુ રાજલી, અંગુઠણ, છત્રાલ, મંડાળા જતો આ માર્ગ તંત્રને બંધ કરવની ફરજ પડી છે. પ્રાથમિક શાળી સુધી પાણી ફરી વળતાં શાળા પણ બંધ કરવી પડી છે.

છેલ્લા 3 દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર એટલી હદ સુધી થઇ ચુકી હતી કે તેની સાથે વડોદરા શહેરમાં 20 ઇંચ તો વળી ડભોઇ પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક એક સમય માટે તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની બૂમો ઉઠી હતી. તેમાંથી તંત્ર બહાર આવે તે પહેલાં જ પંચમહાલમાં વરસાદને લઇને દેવ નદીમાં પાણી ખુબ જ આવવાથી આ દેવ નદી તાલુકાના ઢોલાર ખાતે આવીને ઢાઢર નદીમાં મળતી હોય તાલુકાની ઢાઢર નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે.

ઢોલાર, ભિલાપુર, છત્રાલ થઇ આગળ જતી આ નદી કાંઠાના વિસ્તારમાં છત્રાલ નીચાણવાળા વિસ્તારમાં હોય ગઇકાલ મોડી સાંજથી ઢાઢરના નીર છત્રાલ ગામમાં ઘૂસી જતાં સમગ્ર છત્રાલ ગામ પુરગ્રસ્ત સ્થિતિમાં મુકાઇ ગયુ છે. છત્રાલ ગામથી આગળ સેજપુરા, ઠીકરીયા, કોઠારા મંડાળા ગામો તરફે જતાં માર્ગ પર પાણી ફરી વળતાં આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. બીજી બાજુ છત્રાલ ગામની નવી નગરી વિસ્તારમાં પણ ઘરોમાં ઓટલા સુધી પાણી ફરી વળતાં રહીશોને બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે. તેની સાથે ગામની મોટાભાગની બાજુએ પાણી ફરી વળેલ હોય ગ્રામજનો માટે ગામની બહાર નીકળવું શક્ય રહ્યું નથી. જે જોતાં હાલ તો આ ગામ વિખૂટું પડી ગયું છે. ગામની ભાગોળમાં આવેલી પ્રાથમિક શાળીનાં ઓરડાઓ સુધી પૂરના પાણી ફરી વળતા શાળા પણ બંધ રાખવાની ફરજ પડી છે. આમ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીએ રૂદ્ર સ્વરૂપ લેતાં હાલ તો માત્ર તાલુકાનું છત્રાલ ગામ જ અસર હેઠળ છે. પરંતું જો હજુ પંચમહાલમાં વરસાદ બંધ ન થાય તો તાલુકાનાં ઢાઢર કાંઠના બીજા ગામો પણ પુરગ્રસ્ત સ્થિતિમાં મુકવાની સંભાવનાં છે. હાલ ઢાઢરના પાણી ઉતરતાં હોવાનાં સમાચાર હોય આ સંકટ આગળ વધતું ટળી ગયું છે.

વિશ્વામિત્રીનાં જળસ્તર વધી જતા પાદરાના 12 ગામો એલર્ટ કરાયા
વિશ્વમિત્રી નદીનું જળસ્તર વધતા પાદરાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં કોઠવડા ગામ પાસેના નાળા પર પાણી ફરી વળતા પાદરા કરજણ રોડ બંધ કરાયો હતો. જ્યાં હુસેપુર ગામમાં ફસાયેલા લોકોનું આર્મીના જવાનોની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.પાદરાના ગામોમાં થઈ પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા જળપ્રલય સર્જાયો હતો. તમામ ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. કોઠવાળા ગામ પાસેના પુલ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હુસેપુર ગામના ભાથીજીવાળા વિસ્તારમાં ફસાયેલા 25 પરિવારોનું રેસ્ક્યુ માટે પાદરા વહીવટી તંત્ર આવી પહોંચ્યું હતું. સાથે બોટની મદદથી ગ્રામજનો અને આર્મીની ટીમની મદદથી રેસ્ક્યુ હાથ ધરી તમામને બોટ દ્વારા સલામત સ્થળ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

100 અસરગ્રસ્તોની યાદી બનાવવા કાર્યવાહી
હુસેપુરના ભાથીજી મંદિર વિસ્તારના તમામને 4 ક્લાકના રેસ્ક્યુ બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 100 જેટલા અસરગ્રસ્તોની યાદીઓ બનાવવા માટે કાર્યવાહીમાં તંત્ર લાગ્યું હતું. – જયેશભાઇ,સરપંચ, હુસેપુર પાદરા

ઢાઢર નદી અને ભૂખીમાં ઘોડાપૂર આવતાં 10 ગામોને એલર્ટ કરાયા 
ઉપરવાસમાં ભારે વરસાદને લઇને તેમજ આજવા સરોવરમાંથી માંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી અને ઢાઢરમાં અને ભૂખી કોતરમાં ઘોડાપુર આવતા કરજણ તાલુકાના ઢાઢર કાંઠાના 9 ગામો અને ભૂખી વિસ્તારના એક ગામને એલર્ટ કરી દેવાયું છે. જ્યારે ખેરડા સુરવાડા અને અભરા ગામ સંપર્ક વિહોણા થયા છે. કરજણ પાદરા વચ્ચે પીંગલવાડા કોઠવાડા વચ્ચે ઢાઢરના બ્રિજ પરથી પાણી રહેતા કરજણ પાદરા વચ્ચેનો વહેવાર બંધ થઈ જવા પામેલ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં તેમજ ભુખી કોતરમાં ઘોડાપુર આવતા કરજણ તાલુકાના ઢાઢર તથા વિસ્તારના 9 ગામો અને મુખી વિસ્તારમાં એક ગામ માંત્રોજ ને એલર્ટ કરી દેવામાં આવેલ છે ભુખી કોતરનું પાણી માંત્રોજ ગામમાં નવીનગરીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેને લઇને 150 લોકોનો સ્થળાંતર કરાયું હતુ.જેમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી છાતી સમા પાણીમાં જઈને પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.તેમજ તેઓની જમવાની વ્યવસ્થા પણ કરાઇ હતી.જ્યારે સુરવાડા ખેરડા અને અભરા મેઇન રોડ પર પાણી ફરી વળતા ત્રણેય ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે કરજણ પાદરા રોડ પર પીંગલવાડા કોઠવાડા વચ્ચે ઢાઢર નદીના બ્રિજ પરથી પૂરનું પાણી વહેતા કરજણ પાદરા વચ્ચેનો સંપર્ક તુટી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here