વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણીયાદ ગામમાં તળાવ વચ્ચે પીપળના વૃક્ષ પર 4 વાંદરા ફસાઇ ગયા હતા. ગ્રામજનોને તુરંત જ વડોદરા વન વિભાગને જાણ કરી હતી. જેથી વડોદરા વન વિભાગની ટીમે પહોંચીને વૃક્ષ સાથે દોરડું બાંધીને વાંદરાઓ માટે માર્ગ બનાવ્યો હતો. અને ભારે જહેમત બાદ વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.
વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરવુ મુશ્કેલ હતું
વણીયાદ ગામના તળાવમાં આવેલા પીપળાના વૃક્ષ પર 4 વાંદરાઓ ચડ્યા હતા. આ સમયે અચાનક જ તળાવમાં પાણી આવી જતાં વાંદરાઓ તળાવની બહાર નીકળી શક્યા નહોતા. અને પીપળાના વૃક્ષ પર જ ફસાઇ ગયા હતા. છેલ્લા 4 દિવસથી પીપળાના વૃક્ષ પર 4 વાંદરાઓ ફસાયા હોવાની જાણ ગામ લોકોને થઇ હતી. જેથી તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમે વાંદરાઓને સહી સલામત રીતે બહાર લાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે 4 વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરવુ મુશ્કેલ હતું. જેથી બે વૃક્ષ વચ્ચે દોરડુ બાંધી વાંદરાઓને બહાર લાવવા માટે માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ દોરડા પરથી એક પછી એક ચારેય વાંદરાઓ પાણીમાંથી બહાર આવ્યા હતા.
ખાટલાનો તરાપો બનાવીને વૃક્ષ સુધી તરવૈયા પહોંચ્યા
વન વિભાગની ટીમ ખાટલાનો તરાપો તૈયાર કરીને તળાવની વચ્ચે આવેલા પીપળાના વૃક્ષ સુધી પહોંચી હતી. વાંદરાઓના રેસ્ક્યૂ ઓપરેશન માટે વન વિભાગ પાસે રેસ્ક્યૂના સાધનોનો પણ અભાવ જણાયો હતો.