વડોદરા : ઢાઢર નદીમાં હાથ ધોવા ગયેલા યુવાન પર મગરનો હુમલો, યુવાને કહ્યુ: જેમ તેમ કરીને મગરના મોઢામાંથી છટકીને બહાર આવ્યો

0
52

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અભરાપુરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાથ ધોવા ગયેલા યુવાન ઉપર મગરે જીવલેણ હુમલો કર્યો હતો. ખભાના ભાગે મગરે કરેલા હુમલામાં મગરનો દાંત યુવાના ખભામાં ખૂંપી ગયો હતો. મગરના હુમલામાં ગંભીર ઇજા પામેલા યુવાનને 108 એમ્બ્યુલન્સમાં વડુ પ્રાથમિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તબીબો દ્વારા યુવાનના ખભામાં ખૂંપી ગયેલો મગરનો દાંત બહાર કાઢ્યો હતો. જેની પર હુમલો થયો તે યુવાન કાલીદાસ વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે મગરે હુમલો કર્યો ત્યારે હું ગભરાઇ ગયો હતો. જેમ તેમ કરીને હું મગરના મોઢામાંથી નીકળીને બહાર આવ્યો હતો.

યુવાનની પીઢના ભાગે મગરને હુમલો કર્યો
વડોદરા ગ્રામ્યના ઇટોલા ગામનો રહેવાસી કાલીદાસ વસાવા છેલ્લા કેટલાક સમયથી અભરાપુરા ગામમાં મજૂરી કામ કરે છે. બપોરના સમયે ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હતો. ત્યારબાદ તે નજીકમાંથી પસાર થતી ઢાઢર નદીમાં હાથ ધોવા માટે ગયો હતો. કાલીદાસે પાણીમાં હાથ ધોઇને ઉભો થવા જતો હતો. ત્યાં જ નદી કિનારે શિકારની રાહ જોઇને બેઠેલા મહાકાય મગરે પીઠના ભાગે હુમલો કર્યો હતો. મગરે હુમલો કરતા જ કાલીદાસ ચીસ પાડી ઉઠ્યો હતો. અને જેમ તેમ કરીને મગરના મોંઢામાંથી પોતાના ખભાના ભાગને છોડાવી કિનારાથી દૂર આવી ગયો હતો.

મગરનો એક દાંત યુવાનના ખભામાં ખૂંપી ગયો
લોહી નીકળતી હાલતમાં ગામમાં આવેલા કાલીદાસને જોઇ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. કાલીદાસે મગરે હુમલો કર્યો હોવાનું ગામ લોકોને જણાવતા તુરંત જ ગામ લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત કાલીદાસને પાદરા તાલુકાના વડુ ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. મગરનો હુમલો એટલો જોરદાર હતો કે, મગરનો એક દાંત કાલીદાસના ખભામાં ખૂંપી ગયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ કાલીદાસના ખભામાં ખૂંપી ગયેલા દાંતને ઓપરેશન કરીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની સારવાર કરી હતી. અને મોડી સાંજે કાલીદાસને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

નદીમાં રહેતા મગરો ખેતરોમાં પણ આવી જાય છે
ઉલ્લેખનીય છે કે, ઢાઢર નદીમાં પૂરની સ્થિતી છે. બે કાંઠે વહેતી ઢાઢર નદીમાં સંખ્યાબંધ મગરો છે. સામાન્ય દિવસોમાં પણ ઢાઢર નદીમાં રહેતા મગરો દ્વારા નદી કિનારે ઢોરને પાણી પીવડાવવા જતા ગામ લોકો ઉપર હુમલાઓ કરતા હોવાના બનાવો બનેલા છે. ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં રહેતા મગરો અનેક શિકારની શોધમાં અભરાપુરા ગામ સહિત આસપાસના ગામોમાં ઘૂસી જતાં હોય છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે, મોડી સાંજ પછી ઢાઢર નદીના કિનારા તરફ જવું મુશ્કેલ છે. કારણ કે, નદીમાં રહેતા મગરો ખેતરોમાં પણ આવી જતાં હોય છે. અને જો કોઇની નજર ન પડે તો તેના ઉપર હુમલા કરતા હોય છે.

ઢાઢર નદીના કિનારે ઢોર ચારવા જતા પણ ગભરાઇ રહ્યા છે
હાલમાં બે કાંઠે વહી રહેલી ઢાઢર નદીમાં અભરાપુરા ગામની વસ્તી કરતા મગરોની સંખ્યા વધારે છે. મગરોની વધતી જતી સંખ્યા અભરાપુરા ગામ સહિત આસપાસના ગામના લોકો માટે ખતરારૂપ સાબિત થઇ રહી છે. ઢાઢર નદીની આસપાસમાં આવેલા ગામના લોકો ઢાઢર નદીના કિનારે ઢોર ચારવા જતા પણ ગભરાઇ રહ્યા છે. ગામ લોકો દ્વારા ઢાઢર નદીમાંથી મગરોની સંખ્યા ઓછી થાય તેવી કોઇ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here