વડોદરા : PHCના 700 કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને એક દિવસની માસ સીએલ પર ઉતર્યા

0
5

રાજ્યમાં કોરોના વેક્સિનના આગમન સાથે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ કેહવાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 700 જેટલા કર્મચારીઓએ ભેગા થઇને વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પગાર સહિતના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ વેક્સિનની કામગીરીથી અલિપ્ત રહેશે. જિલ્લા પંચાયત ભવન ખાતે પોસ્ટર્સ અને બેનર્સ સાથે એકઠા થયેલા કર્મચારીઓ દ્વારા તંત્ર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

વેક્સિનના આગમન સાથે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા તંત્રમાં દોડધામ મચી

વડોદરા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કોરોના વોરિયર્સ તરીકે નોકરી કરી રહ્યા છે, પરંતુ, આ કોરોના ફ્રન્ટ વોરિયર્સને છેલ્લા બે માસથી પગાર મળ્યો નથી. નિયમીત પગાર સહિત અન્ય પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, પ્રશ્ન હલ ન થતાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી હડતાળ પાડી હતી. કોરોનાની વેક્સિનના આગમન સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પી.એફ. અને મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નો હલ કરવાની માંગ

એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી ગયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમર્ચારીઓ જિલ્લા પંચાયત ખાતે ભેગા થયા હતા અને નિયમીત પગાર, પીએફ, મેડિકલ સુવિધા, કપડા વગેરેની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તંત્ર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં બાદ જિલ્લા વિકાસ અધિકારીને વણઉકલ્યા પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં છેલ્લા બે માસથી બાકી પડતો પગાર પગાર સ્લિપ સાથે આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પી.એફ., મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નો હલ કરવા ઉપરાંત આઉટ સોર્સિગથી ભરતી બંધ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

કર્મચારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમને કોરોના ફ્રન્ટ વોરિયર્સ તરીકે પદવી આપવામાં આવી છે, પરંતુ, પદવી આપવાથી ઘરનું ગુજરાન ચાલતું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આથી આઉટ શોર્સીંગ નાબૂદ કરવા અમારી માંગણી છે. આજે અમે એક દિવસની માસ સીએલ ઉપર ઉતર્યા છે. પરંતુ, જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાઇશું નહીં અને કોરોના વેક્સિનની કામગીરીનો બહિષ્કાર કરીશું.