વડોદરા : વિશ્વામિત્રીની સપાટી 24 કલાક બાદ કેટલી હશે? પાલિકા પાસે ગણિત નથી

0
70

વડોદરા: શહેર આ ચોમાસાની સિઝનમાં બીજીવાર પૂરનો ભોગ બન્યું છે. જોકે અગાઉ 20 ઇંચ વરસાદને કારણે પૂર આવ્યું હતું. પરંતુ બીજીવાર તો માત્ર આજવામાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. જોકે આજવાથી છોડાતાં પાણી વિશ્વામિત્રીમાં ક્યારે અને કેટલાં પહોંચશે તેની ગણતરી પાલિકા પાસે નથી, અથવા છે તો લોકોને આગોતરી જાણ ન કરી કેમ અંધારામાં રખાઇ રહ્યા છે. અત્યાર સુધી વિશ્વામિત્રીમાં વિતેલા સમયમાં 19 વાર પૂર આવી ચૂક્યાં છે. પરંતુ એકપણ વાર પાલિકાએ શહેરજનોને આગોતરી જાણ કરી નદીની સપાટી 24 કલાક પછી આટલા ફૂટે પહોંચશે તેની જાણ કરવા પાલિકાનું તંત્ર હજી પણ સક્ષમ નથી. પાલિકા પૂર સમયે સાવચેત રહેવાની સૂચના લાઉડ સ્પીકરથી આપી શકતી હોય તો આગોતરી જાણ કેમ નહીં તેવો સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે.
શનિવારે ફરી આજવા સરોવરમાંથી છોડાતા પાણીના કારણે વગર વરસાદે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું હતું.અગાઉ તો વિશ્વામિત્રીના કિનારાના નીચાણવાળા વિસ્તારને જ પૂરનાં પાણી અસર કરતાં હતાં. પરંતુ હવે આ પાણી સમા- સાવલી રોડના સિદ્ધાર્થ બંગલો સહિતના અનેક રહેણાક વિસ્તારોને ધમરોળી નુકસાન પહોંચાડી રહ્યાં છે. અગાઉ પૂરથી સાવચેત રહેવા માટે સાઇરન વગાડવા ઉપરાંત લાઉડ સ્પીકર દ્વારા શહેરીજનોને માહિતગાર કરાતા હતા. પરંતુ પાલિકાના રીઢા તંત્રે સમય જતાં આ સિસ્ટમ બંધ કરી દીધી હતી. હવે હોબાળો થતાં ફરી ચાલુ કરી છે. પાલિકાના જવાબદાર અધિકારીઓ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસીને પૂરની સ્થિતિ પર કહેવાતી ચાંપતી નજર રાખે છે. આજવા સરોવરનાં સંપર્ક સૂત્રો પાસેથી સતત અપડેટ મેળવતા રહે છે. ત્યારે આજવામાંથી પાણી છોડાયું અને વિશ્વામિત્રીની સપાટી વધી તેનાથી આગળની કોઇ જાણકારી પાલિકા પાસે હોતી નથી. 24 કલાક બાદ નદીની સપાટી આટલા ફૂટે પહોંચશે તેવી જાણ આગોતરી કરી દેવાય તો શહેરીજનો એલર્ટ બની શકે છે. પરંતુ અસક્ષમ પાલિકા તંત્રના કારણે લોકો જાતે જ અંદાજ લગાવી પોતાની રીતે સલામત બની રહ્યા છે.
સીધુ ગણિત છે, ઓવરફ્લો 1 ફૂટ પરનો હોય તો નદીની સપાટી 8 કલાકે 8 ફૂટ વધે
જો આજવા સરોવરના 62 દરવાજા ખોલી નંખાયા હોય અને ઓવરફ્લો 1 ફૂટ પરનો હોય તો વિશ્વામિત્રીની સપાટી 8 કલાક બાદ 8 ફૂટ વધે છે. વરસાદ ચાલુ હોય તો સપાટી અને પાણીનું લેવલ પણ વધી શકે છે. પાણી છોડાતાં આવતાં આજવા સરોવરથી વડોદરા સુધીનો ટ્રેક નક્કી છે. જો આ ટ્રેક પર કોઇ બાંધકામ હોય તો તે જગ્યાએ પાણી ભેગું થઇ શકે છે. પ્રતાપપુરામાંથી કેટલું પાણી આવે છે તે પણ ગણવું પડે એમ છે. ( પૂર્વ ચીફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયા સાથેની વાતચીતના આધારે )
વિશ્વામિત્રીના પૂરની સ્પષ્ટ માહિતીની આગાહી મુશ્કેલ છે { સિટી એન્જિનિયર
પાલિકાના સિટી એન્જિનિયર પી.એમ. પટેલે જણાવ્યું કે, ‘ વિશ્વામિત્રીમાં પ્રતાપપુરા, આજવા અને પ્રતાપપુરા વચ્ચેની બે ફીડર ચેનલ અને આજવા એમ ચાર સોર્સમાંથી પાણી આવે છે. આ સ્થિતિમાં ક્યાંથી કેટલું પાણી આવે તે કહી શકાય નહીં. જોકે હાલની ગણતરીએ વિશ્વામિત્રી દર બે કલાકે એક ફૂટની સપાટીથી વધી રહી છે અને 32 ફૂટ સુધી પહોંચે તેવી હાલની શક્યતા છે.’
શહેરીજનો ખોટી અફવાઓથી ડરે નહીં, તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે
વિશ્વામિત્રીની સપાટી સહિત જરૂરી બાબતોનું સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે. આજે શહેરમાં રસ્તાઓ ચાલુ છે, વાહનવ્યવહાર ચાલુ છે, શહેરના તમામ બ્રિજ ચાલુ છે, જે સામાન્ય પરિસ્થિતિ દર્શાવે છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ થઇ રહ્યું છે. એટલે પ્રજાજનોએ ખોટો ગભરાટ અનુભવવાની જરૂર નથી.
શાલીની અગ્રવાલ,કલેક્ટર
122 ટીમો દ્વારા અત્યાર સુધી પૂરગ્રસ્તોને રૂા. 5.29 કરોડની સહાય ચૂકવાઈ 

કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતુ કે, 122 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 86,954 અસરગ્રસ્તોને રૂા.1.47 કરોડ રોકડ સહાય ચૂકવાઇ છે. રાજય સરકારના ધારા-ધોરણોને અનુસરીને 19,079 પરિવારોને ઘરવખરી સહાય પેટે રૂા.3.51 કરોડની સહાય ચૂકવણી કરવામાં આવી છે. આમ, અસરગ્રસ્તોને કુલ રૂા.5.29 કરોડની સહાય ચૂકવાઇ છે.
VMCની લિંક થકી શહેરીજનોની વિશ્વામિત્રીની સપાટી પર સતત નજર 
વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ સર્જાતાં લોકો સિટી કમાન્ડ સેન્ટર તેમજ ફાયરબ્રિગેડમાં ફોન કરીને કલાકે-કલાકે વિશ્વામિત્રી અને આજવાની સપાટીની પૂછપરછ કરી રહ્યાં છે. આ ઉપરાંત શહેરીજનોએ સ્માર્ટફોનમાં વીએમસીની આ લિંક (https://vmc.gov.in/WaterLevel.aspx) પરથી આજવા અને વિશ્વામિત્રીની લાઇવ સપાટીની વિગતો મેળવી હતી.
ટ્રાવેલ્સ એસોશિયેશન દ્વારા પુરગ્રસ્તોને તરાપામાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું
શહેરના ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા શહેરના સમા-સાવલી બ્રિજ, વાડીયા-વડસર, સોમા તળાવની બંને બાજુના વિસ્તારમાં શનિવારે પાણી ભરાયેલા હોવાથી પૂરગ્રસ્તોને તરાપામાં ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા છેલ્લા 6 દિવસમાં 10 હજાર ફુડ પેકેટ વિતરણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here