વડોદરા : બીજી ઓગષ્ટે પૂરમાંથી 50 છોકરીઓને પંકજ ઔંધિયા અને પોલીસની મદદથી રેસ્ક્યૂ કરાઇ હતી, સંસ્થાએ પત્ર લખી આભાર માન્યો

0
52

વડોદરાઃ 31 જુલાઇએ આવેલા પૂર સમયે બીજી ઓગષ્ટના રોજ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં દિનેશ મિલની પાછળ આવેલી કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સંચાલિત દીપ શરણ હોસ્ટેલમાં 50 છોકરીઓ ફસાઇ ગઇ હતી. પૂરના પાણી વચ્ચે ઘેરાયેલી અને પાણીના ધસમસતા પ્રવાહને જોઈને ખૂબ જ ભયભીત બનેલી આ છોકરીઓને નાયબ મ્યુનિસિપલ કમિશનર પંકજ ઔંધિયાના ત્વરિત પ્રતિભાવ અને સમય સૂચકતાથી ઉગારી લેવામાં સફળતા મળી હતી. પંકજ ઔંધિયાએ તત્કાલ ગોત્રી પોલીસ સ્ટેશન સાથે સંકલન સાધીને આ છોકરીઓને હોસ્ટેલના મકાનમાંથી બહાર લાવીને સલામત સ્થળે ખસેડવાનું આયોજન કર્યું હતું. ગોત્રી પોલીસ મથકના સાહસિક જવાનો કિશોર અને વિશાલે ટ્રેક્ટરની મદદથી પાર પાડ્યું હતું. કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીના દિપ શર્માએ પત્ર લખીને પંકજ ઔંધિયા અને પોલીસની કામગીરી બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. અને તેમના વખાણ કર્યાં હતા.

પંકજ ઔંધિયાએ ત્વરિત પ્રતિભાવ આપ્યો
આ ઘટના અંગે દીપ શરણ છાત્રાવાસના ગૃહમાતા લુઈસા રાજપૂતે જણાવ્યું કે, હોસ્ટેલની આસપાસ પાણી ભરાઈ જતા 50 જેટલી અંતેવાસી દીકરીઓ ખૂબ ગભરાઇ ગઇ હતી અને અમારો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આ દીકરીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી જરૂરી હતી અને પાણીનો જોખમી ભરાવો જોતા આ અશક્ય લાગતું હતું. સંકટની આ ઘડીમાં અમે નાયબ મ્યુનિસિપલ કમિશનર પંકજ ઔંધિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેઓએ સંવેદનશીલતા દાખવીને ત્વરિત પ્રતિભાવ આપ્યો હતો. તેમણે અમારી દીકરીઓને ઉગારવાના અભિયાન માટે ગોત્રી પોલીસ સ્ટેશનનો સહયોગ લીધો હતો.

પંકજભાઇની સમય સૂચકતા અને પોલીસની કામગીરીથી દીકરીઓને સંકટમાંથી ઉતારી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીની સૂચનાથી બે જવાનો કિશોર અને વિશાલ ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને ખૂબ હિંમત દાખવીને વારાફરતી તમામ દીકરીઓને હેમખેમ બહાર કાઢી હતી. એટલું જ નહીં, તેમનો સામાન પણ સલામત રીતે બહાર કાઢી આપ્યો હતો. પંકજભાઇની સમય સૂચકતા અને ત્વરિત પ્રતિભાવ તેમજ ગોત્રી પોલીસ મથકના જવાનોની સંવેદનશીલતા, હિંમત અને કર્મનિષ્ઠાએ અમારી દીકરીઓને સંકટમાંથી ઉગારી છે. આ સહુનો સહયોગ ના મળ્યો હોત તો શું થાત એની કલ્પના પણ ડરાવી દે છે.

કર્મયોગીઓને હાર્દિક ધન્યવાદ
ઉલ્લેખનીય છે કે, આ બચાવ અભિયાનના સંકલનમાં મદદનીશ મ્યુનિસિપલ કમિશનર ભુપેન્દ્રભાઇએ પણ સહયોગ આપ્યો હતો. સંસ્થાની સાધ્વીઓ(નન્સ)એ પણ દીકરીઓને આફતમાંથી ઉગારનારા દેવદૂત સમા આ કર્મયોગીઓને હાર્દિક ધન્યવાદ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here