વડોદરા : લીમડાના ઝાડ સાથે દોરીથી બાંધી યુગલે આપઘાત કર્યો

0
3

સાવલી તાલુકાના પિલોલ ગામની સીમમાં પરિણીત યુવાને પ્રેમિકા સાળી સાથે લીમડાના ઝાડ ઉપર નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમી યુગલને ભવિષ્યમાં લગ્ન થઈ શકે એવી કોઈ શક્યતા ન જણાતાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પત્નીની પિતરાઈ સાથે પ્રેમ થયેલો
સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે પીલોલ ગામમાં રહેતો 35 વર્ષીય ચેતન કનુભાઈ પરમારનું લગ્ન વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામમાં થયું હતું. લગ્નજીવન દરમિયાન તેને ત્રણ સંતાનો છે. ચેતન ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચેતન અવારનવાર સાસરીમાં જતો હતો. દરમિયાન તેને પત્નીના કાકાની 23 વર્ષીય દીકરી મનીષા પરમાર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

લગ્ન શક્ય ન હોવાથી આપઘાત
પ્રેમ સંબંધ બંધાતાં તેઓ અવારનવાર મળતાં હતાં. બંને લગ્ન કરવા પણ માગતાં હતાં, પરંતુ લગ્ન શક્ય ન હોવાથી તેમણે સાથે મરવાનો નિર્ણય કરી લીધો હતો. દરમિયાન મોડી સાંજે મનીષા પરમાર ઇટોલી ગામથી પિલોલ આવી પહોંચી હતી અને ચેતનને મળી હતી. ચેતન અને મનીષા ગામની સીમમાં પહોંચ્યાં હતાં અને લીમડાના ઝાડની ડાળી ઉપર નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પિલોલ ગામમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે સાવલી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here