વડોદરા: SSGના કોવિડ સેન્ટરમાં વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટ થવાની આગ લાગી હતી

0
0

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગના બનાવમાં તપાસ કમિટીને 106 દિવસ બાદ FSLની ટીમે રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વેન્ટિલેટર ધમણ-1ને કારણે આગ લાગી હોવાનો FSLની તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે સુરત FSLના ડાયરેક્ટર અને વડોદરા FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર ધમણ લાગ્યું હતું. અમારી પાસે વેન્ટિલેટર ધમણ આવ્યું, ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું. વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના પહેલા માળે આવેલા કોવિડ ICUમાં 8 સપ્ટેમ્બરે આગ લાગવાની ઘટના બની હતી. જેને પગલે કોવિડ સેન્ટરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે કર્મચારીઓની સતર્કતાના કારણે જાનહાનિ થઈ નહોતી.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને 4 સભ્યોની તપાસ સમિતિ બનાવી હતી

સયાજી હોસ્પિટલમાં આગના બનાવની ગંભીરતાને ધ્યાનમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઝીણવટભરી તટસ્થ તપાસ કરવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના કરવા માટે હુકમ કર્યો હતો. જે હુકમના આધારે OSD વિનોદ રાવ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)ના અધ્યક્ષ સ્થાને 4 સભ્યોની તપાસ સમિતિ બનાવી હતી. જે સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમિતિ 4 દિવસમાં આગની ઘટનાનો રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ, 106 દિવસ બાદ હવે FSLનો રિપોર્ટ આવ્યો છે, ત્યારે હવે કમિટી પોતાનો રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરશે.

વીડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખુલી ગઇ હતી, છતાં કાર્યવાહી થઇ નહોતી

ધમણની ખરીદીથી લઇને અત્યાર સુધીમાં અનેક વિવાદો સામે આવ્યા છે અને એજ ધમણના કારણે સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હોવા છતાં પોલીસ ફરિયાદ થઈ નહોતી. અને તંત્ર કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. ધમણથી આગ નથી લાગી તેવું કાગળ પર લાવવા માટેના ઢાંકપિછોડા થયા હતા. જોકે ધમણ-1ના કારણે જ વીડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખુલી ગઈ હતી અને હવે FSLના રિપોર્ટમાં પણ ધમણ-1માં મોનિટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

આખરી રિપોર્ટ 2-3 દિવસમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે

લાંબા સમયથી કમિટી દ્વારા FSLના રિપોર્ટની રાહ જોવાતી હતી. આખરે બનાવના 106 દિવસ બાદ મંગળવારે FSLની ટીમે તપાસ કમિટીને રિપોર્ટ સોંપ્યો છે. કમિટીના અધ્યક્ષ સુધીર પટેલના જણાવ્યા અનુસાર આ તમામ રિપોર્ટ પર અધ્યયન કરી આખરી રિપોર્ટ 2-3 દિવસમાં જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. બીજી તરફ આગ લાગવાના બનાવમાં વેન્ટિલેટર ધમણ-1ની ખામીને કારણે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું ખુલ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here