વડોદરાઃશહેરના છાણી ગામ પાસે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલની કમ્પ્યુટર લેબમાં બપોરે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બીજા ફ્લોરના કાચ તોડી પાણી મારો કરી આગ કાબુમાં લીધી હતી. બપોરે બાદ સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે, સ્કૂલ પાસે ફાયર એન.ઓ.સી. ન હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
શહેરના છેવાડે આવેલા છાણી ગામ પાસે ગુજરાત પબ્લિક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના બીજા ફ્લોર ઉપર કમ્પ્યુટર લેબ છે. બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળતા, સિક્યુરીટીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ઓમ જાડેજા તુરતજ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને સેકન્ડ ફ્લોર સ્થિત કમ્પ્યુટર લેબમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે કોઇ માર્ગ ન હોવાથી ફ્લોરની બહારની સાઇટ ઉપર લગાવવામાં આવેલા કાચ તોડવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કાચ તોડી પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
નોટિસ આપવામાં આવી
આજે શનિવાર હોવાથી સવારની પાળીમાં બાળકો આવ્યા હતા. જો ઘટના સવારે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. નોંધનીય બાબત એ છે કે, લાખ્ખો રૂપિયાની ફી વસુલતી આ સ્કૂલ પાસે ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હતી. સ્કૂલ પાસે ફાયર એન.ઓ.સી. ન હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ સાથે આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. ઉલ્લેખનિય એ પણ છે કે, આ સ્કૂલમાં તો વડોદરામાં આવેલી 250 જેટલી સ્કૂલો પૈકી મોટાભાગની સ્કૂલમોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. લાખ્ખોની ફી વસુલતી સ્કૂલોમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. વાલી મંડળ દ્વારા પણ સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ક્યારેય અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. જ્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે વાલી મંડળ અને તંત્ર સફાળુ જાગે છે.