વડોદરા : અગરબત્તી બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ 5 કલાક બાદ પણ બેકાબૂ

0
3

વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

સબ ફાયર ઓફિસરો સહિત 35 લાશ્કરો ઘટનાસ્થળે
મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી 15 પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત 35 જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.

છેલ્લા 5 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી.
છેલ્લા 5 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી.

આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ફાયરબ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલ 730 નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનિયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જે આગ પ્રસરીને બાજુમાં આવેલી અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાને કારણે આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી ગઇ હતી. આગના બનાવની જાણ જીઇબીને કરવામાં આવતાં જીઇબીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ સાથે પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી જઇ આગની કામગીરીમાં જોડાયો હતો.

ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી.
ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા
મકરપુરા જીઆઈડીસીમાં વહેલી સવારે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે છેલ્લા 5 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી ન હતી. ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા આગને બુઝાવવા માટે સતત પાણી મારો અને ફમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ સાથે ફાયરબ્રિગેડ દ્વારા અત્યાધુનિક ઉપકરણોની પણ મદદ લઈને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here