વડોદરા: વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશિપ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામના કારણે ડોક્ટરની ગર્ભવતી પત્નીને પેટમાં જર્ક વાગતા દુખાવો થયો હતો. જે અંગે ડોક્ટરે વારસીયા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાનમાં આજે પોલીસે રોહન કન્સ્ટ્રક્શન કંપનીના માલિક પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાડી ખાડામાં પડતાં પત્નીના પેટમાં દુખાવો થયો
હરણી રોડ ઉપર વૃંદાવન ટાઉનશિપમાં ડો. ભાર્ગવ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓની સોસાયટી પાસે વરસાદી કાંસનું કામ ચાલતુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. દરમિયાન ડો. ભાર્ગવ પટેલ ગર્ભવતી પત્નીને લઇને નીકળ્યા હતા. તેઓની ગાડી ખાડામાં પડતાં પત્નીના પેટમાં દુ:ખાવો થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદવામાં આવેલા ખાડાઓને પગલે ગર્ભવતી પત્નીને પેટમાં જર્ક વાગ્યો હોવાથી તેઓએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ વારસીયા પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાનમાં વારસીયા પોલીસે તપાસ કરી રોહન કન્સ્ટ્રક્શનના માલિક અશોક ચૌધરી અને રોહન ચૌધરીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.