Tuesday, April 23, 2024
Homeવડોદરા : હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત એન્જિનિયર યુવાનનું બેડ ઉપરથી પડી જતા મોત
Array

વડોદરા : હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત એન્જિનિયર યુવાનનું બેડ ઉપરથી પડી જતા મોત

- Advertisement -

વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી સુમનદીપ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત એન્જિનિયર યુવાનનું બેડ ઉપરથી પડી જતા મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી બાજુ, ઓ… મારી ખુશ્બૂ તને મેકઅપ કરી આપું…. તને હેર ડાઇ કરી આપુ…. તને કયો મેકઅપ ગમે છે. એવી પતિની પ્રેમ ભરી વાતોને યાદ કરીને હૈયાફાટ રૂદન કરનાર પત્નીએ હોસ્પિટલ બહાર કઠણ કાળજાના માણસને પણ હચમચાવી મૂકયા હતા.

યુવાન હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લઈ રહ્યો હતો
વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન ફ્લેટમાં 31 વર્ષીય યોગેશભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ પત્ની ખુશ્બુ સહિત પરિવારજનો સાથે રહેતો હતો. એન્જિનિયર યોગેશ પાદરા તાલુકાના કરખડી ગામે આવેલ ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. કોરોનાની ચાલી રહેલી મહામારી દરમિયાન તેને કોરોના થયો હતો અને હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લઈ રહ્યો હતો.

હોસ્પિટલના બેડ પરથી પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ
દરમિયાન તા. 4 એપ્રિલના રોજ યોગેશની તબિયત બગડતા પરિવારજનો કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનું સવારે હોસ્પિટલના બેડ પરથી પડી જવાથી મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યોગેશ ચૌહાણનું બેડ પરથી પડી જવાથી મોત નિપજતાં પરિવારજનો માં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અને હોસ્પિટલમાં ધસી જઇભારે હોબાળો મચાવ્યો હતો.

યુવાનનો મૃતદેહ
યુવાનનો મૃતદેહ

રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું હતું
પરિવારના સભ્ય સંકેતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે યોગેશભાઈને જે દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દિવસે રૂપિયા 50 હજાર ડીપોઝીટ ભરવામાં આવી હતી. તે બાદ હોસ્પિટલ દ્વારા દર્દી યોગેશના લગ્સમાં પ્રોબ્લેમ છે તેમ જણાવી રૂપિયા 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું હતું. જે ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો કે યોગેશભાઈ બેડ ઉપરથી પડી જતા તેમનું મોત નિપજ્યું છે. આ સમાચાર મળતા જ અમે પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે જ યોગેશભાઈનું મોત નિપજ્યાનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે જ યોગેશભાઈનું મોત નિપજ્યું છે. હોસ્પિટલને માત્ર ને માત્ર નાણા લેવામાં જ રસ છે. પરંતુ દર્દીઓની કાળજી રાખવામાં કોઈ રસ નથી. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી. યોગેશભાઈનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે અમો પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસને રજૂઆત કરી છે.

પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા
મળેલી માહિતી પ્રમાણે આજે સવારે સુમનદીપ હોસ્પિટલમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ હોસ્પિટલ ખાતે દોડી આવેલ મૃતક યોગેશભાઈની પત્ની ખુશ્બુબેન સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પતિની યાદોને તાજી કરી હૈયાફાટ રૂદન કરતી ખુશ્બુએ કઠણ કાળજાના માણસોને પણ હચમચાવી નાખ્યા હતા. નોધનિય છે કે યોગેશ ચૌહાણ અને ખુશ્બુના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા અને આ દંપતી કેનેડા જવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.

હોસ્પિટલ બહાર લોકોના ટોળા
હોસ્પિટલ બહાર લોકોના ટોળા

મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમની માગ
લગ્નના બે વર્ષમાં પતિ ગુમાવનાર ખુશ્બુ ના કાકા વિજયભાઈ પરમારે હોસ્પિટલની નિષ્કાળજીના કારણે જ 31 વર્ષીય યોગેશનું મોત નિપજ્યુ છે, તેવો આક્ષેપ કરતા ઉમેર્યું કે જો યોગેશનું મોત લંગ્સ ખરાબ હોવાના કારણે થયું હોય તો રૂપિયા 40હજારની કિંમતનૂ ઇન્જેકશન શા માટે મુકાયું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બની શકે કે યોગેશનુ મોત બેડ ઉપર થી પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થવાથી થયું હોય, ત્યારે યોગેશના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પોસ્ટમોર્ટમ કરાવવા માગીએ છે. હાલના તબક્કે યોગેશનું મોત હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે થયું હોવાનું ચોક્કસપણે અમારું માનવું છે.

રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી
આજે સવારે સુમનદીપ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજતા બનેલી ઘટનાને પગલે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે દાંડિયા બજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પણ 35 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મુકી ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. જે ઘટનાની હજુ તપાસ પૂરી થઈ નથી, તે પહેલા જ આજે કોઠી ચાર રસ્તા પાસે આવેલ સુમનદીપ હોસ્પિટલમાં 31 વર્ષીય યુવાન યોગેશ ચૌહાણનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ન્યાયીક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular