વડોદરા : નાગરિકે આવાસો અંગે પૂછતાં સંખેડાના ભાજપના MLA અભેસિંહ તડવી ભડક્યા કહ્યું: ‘તું અહીંથી નીકળી જા; તમે અનાજ ખાધું છે; તમારે ઋણ ચૂકવવું પડશે’

0
5

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો મતદારોને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં અભેસિંહ તડવી મતદારોને અવાજ બંધ કરાવતા કહે છે કે અનાજ આવ્યું છે અને તમે ખાધું છે, એટલે ઋણ ચૂકવવું પડશે અને મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી.

પ્રચાર દરમિયાન મતદારોને ધમકી આપતો વીડિયો વાઇરલ…

28 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો અને અગ્રણીઓ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં પ્રચાર દરમિયાન સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારોને અવાજ બંધ કરવા માટે ધમકી આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી

આવાસ અંગે પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનાર નાગરિકને ધારાસભ્યએ ત્યાંથી કાઢી મૂક્યો હતો. વાઈરલ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી મતદારને ધમકાવતા કહે છે, બંધ, શાંતિ રાખ, કોઇના કહ્યા પર ચડી નહીં જવાનું. સમજ પડે છે ને જે બોલું છે એ, તો પછી. બધું કામ થશે ભાઈ. બંધ થા, તું જા અહીંથી, ખોટી વાત શું કરે છે ભાઈ, તમારા આવાસો માટે બધું કહ્યું છે. જોજો, હું આવીશ, આ ગામમાં આવીશ, મત મળશે, અનાજ મળ્યું છે, તમે ખાધું છે, એટલે ઋણ ચૂકવવું પડશે, તમને જે યોગ્ય લાગે એ કરજો, મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી. સમજો… હું સાચી વાત કરું છું. અમે કામ કરીને બેઠા છીએ. સરકાર રૂપિયા અને લોન આપે છે. ધારાસભ્ય પણ રૂપિયા આપે છે.

ધારાસભ્યની ધમકીને લઈને લોકોમાં રોષ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયનો લાભ લેવા માટે તમામ જિલ્લાઓમાં ભાજપ અગ્રણીઓ મેદાનમાં ઊતરી ગયા છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યએ મતદારો સમક્ષ ધમકીના સૂરમાં વાત કરી હતી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપ-કોંગ્રેસનું પ્રચાર-અભિયાન શરૂ

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીપ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયનો લાભ લેવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મેદાનમાં ઊતરી ગયા છે. તો કોંગ્રેસે પણ પુરજોશમાં પ્રચાર-અભિયાન શરૂ કર્યું છે. કેટલાંક ગામોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને જોરદાર આવકાર મળી રહ્યો છે. તો વળી કેટલાંક ગામોમાં ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવાનો વખત આવી રહ્યો છે, તો કેટલાક સ્થળોએ નેતાઓ ધમકીના સૂરમાં વાત કરીને લોકો પાસે મત માગી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here