વડોદરા : 3 વર્ષની ઉંમરે ખોટી દવાથી આંખોની રોશની ગુમાવનાર ચેસ પ્લેયર CA બન્યો

0
2

બાળપણમાં 3 વર્ષની ઉંમરે ખોટી દવાથી આંખોની રોશની ગુમાવનાર અને પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર દર્પણ ઇનાનીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. એક સામાન્ય વિદ્યાર્થી માટે પણ સીએની ડિગ્રી મેળવવી એ મોટી વાત છે ત્યારે જો પ્રજ્ઞાચક્ષુ આ ડિગ્રી મેળવવામાં સફળ થાય તે વાત સાંભળીને જરૂર આશ્ચર્ય થાય.

વડોદરાનો દર્પણ ઇનાની 3 વર્ષની ઉંમરે ખોટી દવાથી સ્ટીવેન્સ જોનસન સિંડ્રોમનો ભોગ બન્યાે હતો, જે 1 લાખ વ્યક્તિ પૈકી 1 જ બનતો હોય છે. જોકે નાનપણથી જ પોતાની શારીરિક ખામીઓને ગણકાર્યા વગર પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપીને સફળતા મેળવવાનું બીડું દર્પણ ઇનાનીએ ઝડપ્યું હતું.

દર્પણ ઇનાનીએ જણાવ્યું હતું કે, સીએની પરીક્ષા પાસ કરવી મારા માટે માટો પડકાર હતો. કારણ કે જે સામાન્ય વિદ્યાર્થીઓ હોય તે વાંચી શકે છે, જ્યારે હું સાંભળીને અભ્યાસ કરુ છું. જ્યારે પ્રેક્ટિકલ વિષયો મને મારા પિતાએ શિખવ્યા છે. આ ઉપરાંત પેપર લખવા માટે યોગ્ય રાઇટર શોધવામાં પણ ઘણી મુશ્કેલીઓ થઇ હતી. ધોરણ 12માં જ્યારે મેં જાણ્યું કે કોઇ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ સીએ નથી કર્યું અને ત્યારે જ મેં આ ડિગ્રી પ્રાપ્ત કરવાનું નક્કી કરી લીધું હતું.

દર્પણે ઉમેર્યું હતું કે, 13 વર્ષની ઉંમરે મેં ચેસ રમવાનું શરૂ કર્યું, કારણ કે તે એક જ એવી રમત હતી જે સામાન્ય વ્યક્તિઓ સાથે સ્પર્ધક તરીકે રમી શકાય છે. તેથી મેં ચેસ રમવાનું શરૂ કર્યું અને ભારત તેમજ ઇન્ટરનેશનલ લેવલ પર ચેસમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હવે હું સીએ બન્યા પછી પાર્ટનરશિપ ફર્મ ખોલીને સીએની પ્રેક્ટિસ કરવા માગું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here