‘હું આ ઉંમરે પણ સતત નવું નવું શીખતી રહું છું, મને વાંચનમાંથી નવું શીખવાની પ્રેરણા મળી હતી. હું આજે પણ રોજ 20થી 30 કિ.મી જેટલું સાઇકલિંગ કરું છું’. આ શબ્દો છે મૂળ મોરબીનાં અને છેલ્લાં 40 વર્ષથી વડોદરામાં સ્થાયી થયેલાં 85 વર્ષનાં ડો. ભગવતીબેન ઓઝાના. ભગવતીબેન આજના યુવાઓને પણ શરમાવે એવી સ્ફૂતિ ધરાવે છે. તેમણે નિવૃત્ત થવાની 65 વર્ષની ઉંમરે સાઇકલિંગ, રનિંગ અને સ્વિમિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને અત્યારસુધીમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તેમજ સ્ટેટ લેવલે 500 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 8 આંતરરાષ્ટ્રીય મેડલનો પણ સમાવેશ થાય છે.
દાદાએ દીકરીને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું
ડો. ભગવતીબેન ઓઝાનો જન્મ 17 નવેમ્બર, 1935ના રોજ મોરબીમાં થયો હતો. એ સમયે 12 વર્ષ પછી દીકરીઓને સ્કૂલમાં જવા દેવામાં આવતી નહોતી, પણ દાદીનું સારવાર ન મળવાથી મૃત્યુ થતાં ભગવતીબેને ડોક્ટર બનવાનું નક્કી કર્યું હતું. તેમનો પરિવાર શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપતો હતો. જેથી તેમના દાદાએ દીકરી ભગવતીને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું.
મેં કહ્યું, મારે ડોક્ટર બનવું છે, ત્યારે આખો ક્લાસ હસવા લાગ્યો
ડો. ભગવતીબેન ઓઝાએ જણાવ્યું હતું કે
સ્કૂલમાં મને શિક્ષકે પૂછ્યું કે તમારે શું બનવું છે, તો મેં કહ્યું મારે ડોક્ટર બનવું છે, ત્યારે આખો ક્લાસ હસવા લાગ્યો હતો, કારણ કે એ સમયે કોઇ મહિલા ડોક્ટર બને એ નવાઇની વાત હતી, પણ અમારા પરિવારમાં મે ક્યારેય દીકરા-દીકરીનો ભેદ જોયો જ નથી. ઊલટાનું દીકરીને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. 1953માં ભુજ કોલેજ જોઇન કરી, મારો કોલેજનો સમય સવારનો હોવાથી મારા દાદા જમવાનું બનાવતા અને હું કોલેજ જતી હતી અને મારા ધ્યેય પ્રમાણે ડોક્ટર બની ગઇ. એ વખતે મેં મોરબીની સરકારી હોસ્પિટલમાં સુપરિન્ટેડન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી અને ચોમાસામાં ગાડામાં બેસીને આસપાસનાં ગામડાંમાં મહિલાઓની પ્રસૂતિ કરાવવા માટે જતી હતી. પૂરતી દવાઓ અને સારવારનાં સાધનોના અભાવ વચ્ચે સંઘર્ષ પૂર્ણ રીતે મેં મારી કામગીરી કરી હતી.
સાઇકલિંગ, રનિંગ અને સ્વિમિંગ સ્પર્ધાઓમાં 500થી વધુ મેડલ મળ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું હંમેશાં લીડ કરું છું, કોઇને ફોલોવ કરતી નથી. હું ક્યારેય કોઇની સલાહ લેતી નથી. હું મારા નિર્ણય પર અડગ રહું છું. લોકો જ્યારે નિવૃત્ત થઈ ગયા હોય છે, તેવી 65 વર્ષની ઉંમરે મેં સ્પોર્ટ્સ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું, જેમાં મને સાઇકલિંગ, રનિંગ અને સ્વિમિંગ સ્પર્ધાઓમાં 500થી વધુ મેડલ મળ્યા છે. આ ઉપરાંત 2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે મને એડવેન્ચર માટે અવૉર્ડ મળ્યો હતો. 2018માં મલેશિયામાં યોજાયેલી એશિયા પેસિફિક માસ્ટર ગેમ્સમાં મને 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળ્યો હતો. મારા ઘરમાં મેડલ મૂકવાની જગ્યા પણ નથી. હવે હું મારા મેડલ બાળકોને આપી દઉ છું. મારા અડધા મેડલ તો મેં બાળકોને આપી દીધા છે.
50 વર્ષની ઉંમરે ફ્લાઇંગ ક્લબ જોઇન કરી
તેમણે જણાવ્યું હતું કે મને સ્કુબા ડાઇવિંગ, પર્વતારોહણ અને વ્હાઇટ વોટર રાફ્ટિંગનો પણ શોખ છે અને તેની સ્પર્ધાઓમાં પણ ભાગ લઇ ચૂકી છું અને આ ઉંમરે પણ કોઇપણ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર છું અને સતત કં
ઇક નવું કરતા રહેવું મને ગમે છે. મેં 50 વર્ષની ઉંમરે ફ્લાઇંગ ક્લબ જોઇન કરી હતી અને પાયલટનું લાઇસન્સ મેળવ્યું હતું. હું કારગિલ યુદ્ધ પછી મહિલાઓ અને બાળકોની સારવાર માટે ગઈ હતી. આ ઉપરાંત તાજેતરમાં જ મેં પીએમ કેર્સમાં 5 લાખ અને સીએમ રિલિફ ફંડમાં 2 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
વર્ષ-2000માં પહેલીવાર પુણેથી અમદાવાદ સાઇકલિંગ કરીને જવાનું નક્કી કર્યું
ભગવતીબેન ઓઝાએ જણાવ્યું હતું કે વર્ષ-2000માં પહેલીવાર જ્યારે મેં પુણેથી અમદાવાદ સાઇકલિંગ કરીને જવાનું નક્કી કર્યું, ત્યારે મને થયું કે હું રોજ કાર અને ટૂ-વ્હીલર ચલાવું છં, તો 800 કિ.મી. સાઇકલિંગ કરીને આવ્યા પછી મારા પર કોઇ વિશ્વાસ નહીં કરે કે મેં આટલું લાંબુ સાઇકલિંગ કર્યું છે. જેથી મેં મારી કાર અને ટૂ-વ્હીલર વેચીને સાઇકલિંગ કરવા માટે ગઇ હતી. ત્યાર બાદ મેં પુણેથી બેંગલોર, વાઘાબોર્ડરથી આગરા, ભુવનેશ્વરથી કોલકાતા, કોલકાતાથી કન્યાકુમારી, કચ્છથી કોચી, રાજકોટથી અમદાવાદ, મુંબઇથી દિલ્હી, વડોદરાથી વાઘા બોર્ડર અને કચ્છથી વલસાડ સહિત અનેક વખત સાઇકલયાત્રા કરી છે, જેમાં અમે અલગ-અલગ મેસેજ સાથે સાઇકલયાત્રા પણ નીકળીએ છીએ, જેમાં સ્વાસ્થ્ય, નિર્ભય નારી અને પર્યાવરણ બચાવવાના મેસેજનો સમાવેશ થાય છે.
ડોક્ટર ભગવતીબેન ઓઝા આજના યુવાઓ માટે પ્રેરણારૂપ
85 વર્ષની ઉંમરે પણ સાઇકલિંગ, રનિંગ અને સ્વિમિંગ કરતાં વડોદરાના ડોક્ટર ભગવતીબેન ઓઝા આજના યુવાઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું રોજ સવારે બે કલાક કસરત માટે આપું છું. અમદાવાદ અને વડોદરામાં 5 મેરેથોનમાં ભાગ લઇ ચૂકી છું. દરેક યુવાનને હું સતત નવું નવું શીખતા રહેવાની સલાહ આપું છું.