વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા ઓવર સ્પીડના જાહેરનામાના અમલના ગણતરીના કલાકોમાં જ અકોડા-દાંડિયા બજાર બ્રિજ પર સોમવારે મોડી રાત્રે 110 કિ.મી. સ્પીડે પસાર થઇ રહેલી ઔડી ક્યુ-3 સેફ્ટી વોલ સાથે અથડાઇ હતી. જેમાં કાર ચાલકે બાઇક સવારને બચાવવા જતાં કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
ઔડી કાર બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કારની એર બેગ પણ ખૂલી ગઇ હતી. જેથી કાર ચાલકને માત્ર સામાન્ય ઇજા જ પહોંચી હતી. જોકે, આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રસ્તામાં બે કૂતરા આવી ગયા હતા અને એક બાઇક ચાલક પસાર થતાં તેને કાર ચાલક બચાવવા જતા આ ઘટના બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર બનેલી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસીતૈસી
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરમાં વાહન ચાલકોએ 40 કિ.મી.ની ઝડપ કરતા વધુ ઝડપે વાહન ચલાવવું નહીં તેવું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અને આ જાહેરનામાનો અમલ પહેલી જુલાઇથી અમલ શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસીતૈસી કરતી ઘટના જાહેરનામાના અમલના દિવસે જ સામે આવી હતી. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ માંગ ઉઠી રહી છે.