Wednesday, January 19, 2022
Homeગુજરાતવડોદરા : ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વડોદરા : ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો છે. હાલ હું ઘરે જ સારવાર લઈ રહ્યો છું. ડોક્ટરે દવાઓ આપી છે.

 

 

MS યુનિવર્સિટીના જોઇન્ટ રજીસ્ટ્રાર કોરોના સંક્રમિત

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના જોઇન્ટ રજીસ્ટ્રાર મયંક વ્યાસ કોરોના સંક્રમિત થયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 470 કેસ નોંધાયા છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,869 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 170 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,593 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

3 દિવસમાં કોરોનાના 20,977 ટેસ્ટ કર્યાં

કોરોના અટકાવવાની સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ રેપિડ અને RT-PCR એ બંને પ્રકારના કોરોના ટેસ્ટમાં વધારો કર્યો છે અને આક્રમક વેગથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી રથો દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે આપેલી જાણકારી પ્રમાણે તા.8થી 10 જાન્યુઆરીના ત્રણ દિવસો દરમિયાન કુલ 20,977 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

10 દિવસમાં નોંધાયેલા કેસ સામે 31 ટકા દર્દીઓ રિકવર થયા

વડોદરા શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રવિવારે શહેરમાં 10,044 સેમ્પલની ચકાસણી બાદ 398 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેની સરખામણીએ સોમવારે 8908 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 470 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર લઈ રહેલા 370 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસ સામે 31 ટકા દર્દીઓ રિકવર થયા છે.

1,501 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે

છેલ્લા 10 દિવસમાં શહેરમાં 2,068 કેસ નોંધાયા હતા, તેની સામે 10 દિવસમાં 651 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 10 દિવસમાં પોઝિટિવ કેસના આંકડા સામે 31 ટકા રિકવરી રેટ જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલમાં 1,653 એક્ટિવ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી 1,501 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 152 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 5 દર્દીઓ વેન્ટિલેટર પર, 12 દર્દીઓ આઇસીયુમાં અને 135 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 2,103 દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા

વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા,
રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1653 ઉપર પહોંચ્યો છે. જે પૈકી 1501 હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 152 દર્દી હોસ્પિટલોમાં દાખલ છે. જે પૈકી 5 દર્દી વેન્ટિલેટર અને 47 દર્દી ઓક્સિજન પર છે.

પોલીસના 4 અધિકારીઓ અને 7 કર્મચારી પોઝિટિવ

સોમવારે સિટી પોલીસ મથકના સેકન્ડ પીઆઇ, સયાજીગંજ પીઆઇ, વાઘોડિયા અને તાલુકાના પીએસઆઇ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે જિલ્લાના 6 કોન્સ્ટેબલ અને જવાહરનગરની એક મહિલા એલ.આર.ડી પોઝિટિવ આવ્યા છે.મહાનગર પાલિકામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. વધુ 4 કર્મચારી સંક્રમિત થયા છે. પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર સહિત 4 કર્મચારીને કોરોના થયો છે.

મેડિકલ કોલેજના પીજીના 7 રેસિડેન્ટ તબીબ પોઝિટિવ, ગોત્રીના તબીબ પણ સંક્રમિત

એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના પીજીના 7 રેસિડન્ટ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 2 તબીબો ઓર્થોપેડિક વિભાગ, 2 તબીબો મેડિસિન વિભાગ, 1 તબીબ ઇએનટી વિભાગ, 1 ચામડી રોગના વિભાગ અને 1 તબીબ માઈક્રો બાયોલોજીના છે. જ્યારે ગોત્રી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના તબીબ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ જમનાબાઈ હોસ્પિટલમાં 2 ફાર્માસિસ્ટ સહિત 5 તબીબી સ્ટાફ પોઝિટિવ આવ્યા છે.

ડોર ટૂ ડોરમાં 15.92 લાખ લોકોનું સ્ક્રીનિંગ

કોરોનાના કેસ વધતા પાલિકાએ ધન્વંતરી રથની સંખ્યા 34થી વધારીને 52 કરાઈ છે. ધન્વંતરી રથ દ્વારા અત્યારસુધી 17,472 લોકોને તપાસી 3,255 લોકોને લક્ષણો જણાતા તેમને સ્થળ પર જ સારવાર અપાઇ છે. ડોર ટૂ ડોર સર્વેલન્સમાં 15,92,772 લોકોને સાંકળી લેવાયા છે

શહેરમાં ઝોન પ્રમાણે કેસ

વડોદરામાં સોમવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 99, પશ્ચિમ ઝોનમાં 113, ઉત્તર ઝોનમાં 97 અને દક્ષિણ ઝોનમાં 101 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 60 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular