વડોદરા : છોટાઉદેપુર પંથરમાં પ્રેમી-પ્રેમિકાને વૃક્ષ સાથે બાંધીને ઢોરમાર મરાયો

0
0

આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને તાલિબાની સજા આપતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામનો આવો જ એક વીડિયો વાઇરલ થયો છે. આ ગામનાં યુવક-યુવતીને પ્રેમસંબંધ હતો, પરંતુ પરિવારોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈને બન્ને પરિવારોએ ભેગા થઈને યુવક-યુવતીને સરગવાના વૃક્ષ સાથે દોરડા વડે બાંધીને તાડના લાકડાથી બેરહેમીથી માર માર્યો હતો.

પોલીસે 9 આરોપીની ધરપકડ કરી

યુવક-યુવતીને મારતી વખતે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. એક સમયે યુવતી મારથી થાકીને નીચે પડી ગઈ હતી, એમ છતાં ક્રૂર લોકો તેને ફરીથી ઊભી કરીને બાંધી દીધી હતી. વીડિયો વાઇરલ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને આવું કૃત્ય કરવાવાળા 9 લોકો સામે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી યુવક-યુવતી પર અત્યાચારનો વધુ એક વીડિયો વાઇરલ થયો.
છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી યુવક-યુવતી પર અત્યાચારનો વધુ એક વીડિયો વાઇરલ થયો.

આદિવાસી પંથકમાં આવી તાલિબાની સજાઓ અપાય છે

આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી એનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતા હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ ભાગી ગયેલાં યુવક-યુવતીઓને સજા થયેલી છે.

પ્રેમી સાથે ભાગેલી પરિણીતાનાં કપડાં ફાડીને અત્યાચાર ગુજાર્યો હતો

પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ બનાવનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ તથા 19 ઈસમના ટોળા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વીડિયો વાઇરલ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી.
વીડિયો વાઇરલ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી.

14 જેટલા આરોપીની ધરપકડ થઇ હતી

પોલીસે 14 જેટલા લોકોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એમાં પોલીસે દિનેશ કાનિયાભાઈ, પપ્પુ કાનિયાભાઈ, ભરત સાવલાભાઈ, રાકેશ સાવલાભાઈ, નવલસિંહ કસનાભાઇ, રમેશ, મેહુલ સબુરભાઇ, સબિયા દહરિયાભાઈ, સંજય દિયાયાભાઈ, દિતીય નાનાભાઈ, મડિયા દિતીયભાઇ, લક્ષ્મણ સબિયાભાઈ, રણજિત, સબૂર નાનાભાઈ, અખિલ મડિયાભાઈ, મનીષ સબિયાભાઈ, વિના બદિયાભાઈ અને પાંગલા બદિયાભાઇ તમામ જાતે મછારનો સમાવેશ થાય છે.

એક મહિના પહેલાં છોટાઉદેપુરના ધડાગામમાં પ્રેમી-પંખીડાને માર માર્યો હતો

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામમાં એક મહિના પહેલાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હતી. યુવતીનાં પરિવારજનો દ્વારા પ્રેમ યુગલને વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી.
પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી.

અગાઉ છોટાઉદેપુરના બિલવાંટમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોરમાર માર્યો હતો

24 મે-2020ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બિલવાંટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. એ તેનાં પરિવારજનોને પસંદ નહીં પડતાં સગીરાને 15 જેટલા લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી તેને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતો વીડિયો બહાર આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here