વડોદરા: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(આર.ટી.ઇ.) હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આજે ડી.ઇ.ઓ. કચેરી ખાતે શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપવા માટે ગયું હતું. પરંતુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ન મળતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પોલીસે ચક્કાજામ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 30 મહિલા-પુરૂષ કાર્યકરોની અટકાયત કરી હતી.
વંચિત વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ નહીં અપાય ત્યાં સુધી આંદોલન ચાલશે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં પ્રવેશ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને 3 દિવસે પૂર્વે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે ડી.ઇ.ઓ.એ તા.2 જી જુલાઇના રોજ બાકી રહેલા વિદ્યાર્થીઓની યાદી મૂકવાની ખાતરી આપી હતી. પરંતુ આજે પણ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા યાદી મૂકવામાં આવી નથી. જેથી પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમે કચેરીમાં ગયા હતા. પરંતુ ડી.ઇ.ઓ. ન મળતા ન છૂટકે કોંગ્રેસને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. જેના ભાગરૂપ કચેરી નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આંદોલનને કચડી નાંખવા માટે મહિલા-પુરૂષ સહિત 30 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલુ રહેશે.
સરકાર અને ડીઇઓ સામે કોંગ્રેસના સૂત્રોચ્ચાર
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડી.ઇ.ઓ. કચેરી પાસે એ.પી.એમ.સી. ચાર રસ્તા પાસે ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટ્રાફિક જામ થઇ જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો), ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સહિત 30 કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો દ્વારા સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ સાથે ડી.ઇ.ઓ. કચેરી વિરૂધ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.