વડોદરા : વોશિંગ્ટનની કન્ફર્મ ટિકિટ એર ઈન્ડિયાએ કેન્સલ કરતા વિવાદ

0
4

હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે તેમના માતા-પિતા સાથે યુએસએ જવા એરઇન્ડિયામાં કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. જોકે થોડા સમય બાદ એરલાઈન્સે મેસેજ આપ્યા વગર તેમની ત્રણેય કન્ફર્મ ટિકિટ રદ કરી દીધી હતી. આ વિશે તેમણે એરલાઈન્સના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે 4થી 5 દિવસના વિવાદ બાદ એરલાઈન્સે તેમની ટિકિટો રિસ્ટોર કરી આપવા આશ્વાસન આપ્યું છે.

આ વિશે માહિતી આપતા વકીલ આદિત્યસિંહ પરમારે જણાવ્યું કે, અગાઉ તેમણે મે 2020માં વડોદરાથી વોશિંગ્ટન જવા માટે રૂ.2.85 લાખના ખર્ચે ત્રણ ટિકિટ બુક કરાવી હતી. પરંતુ એ સમયે લોકડાઉન આવી જતા અને તમામ ફ્લાઈટો બંધ થતા તેમને પ્રવાસ મુલતવી રાખવાની ફરજ પડી હતી. આ સમયે એરલાઈન્સે તેમને ટિકિટના રૂપિયા પરત આપવાના બદલે જમા રાખી ફરીથી જ્યારે ટિકિટ બુક કરવો ત્યારે તેનો ઉપયોગ કરવાની સુવિધા આપી હતી. જેથી તેમણે વોશિંગ્ટન જવા 27 એપ્રિલની ટિકિટ ફેબ્રુઆરીમાં બુક કરાવી હતી. ત્યારે ટિકિટના ભાવ વધુ હોવાથી તેમણે જમા રૂ.2.85 લાખ ઉપરાંત વધારાના રૂ.47 હજાર પણ ચૂકવ્યા હતા. ત્યારબાદ તેમને કન્ફર્મ ટિકિટ ફાળવવામાં આવી હતી. 21 માર્ચે તેઓએ એરલાઈન્સની વેબસાઈટ પર ટિકિટ ચેક કરતા ખબર પડી કે તેમની ટિકિટ કેન્સલ થઈ હતી. તેમણે જણાવ્યું કે, તેમનો યુએસનો પ્રવાસ ફિક્સ છે પરંતુ એરલાઈન્સે જાણ કર્યા વગર તેમની ટિકિટ કેન્સલ કરી દીધી છે. શરૂઆતમાં આ વિશે એરલાઈન્સના કોલ સેન્ટર સાથે વાત કરતા કોઈ ચોક્કસ જવાબ મળ્યો ન હતો. જેથી તેમને એરલાઈન્સના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે.

ગેરસમજ થતા ટિકિટ રદ થઈ: એરલાઇન્સ
એરલાઈન્સ અધિકારીઓને પૂછતા જણાવ્યું કે, ગેરસમજના કારણે ટિકિટ રદ થઈ છે. લોકડાઉનમાં ભાડું રિફન્ડ મેળવવા પેસેન્જરોએ કરેલી અરજી પર કાર્યવાહી કરતા તેમની પણ ટિકિટ કેન્સલ કરી રિફન્ડ પ્રોસેસ કરવામાં આવ્યું હતું. જોકે પેસેન્જરે ટિકિટ બુક કરવા રજુઆત કરતા ટિકિટ રિસ્ટોર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here