વડોદરા : જેલમાં ગાંજો ઘુસાડવાના પ્રકરણમાં સજા ભોગવતા પંડ્યા બ્રધર્સના જામીન અદાલતે ફગાવ્યા

0
2

વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં એનડીપીએસ એક્ટ હેઠળ સજા ભોગવતા શહેરના મંગળબજાર વિસ્તારના માથાભારે પંડ્યા બ્રધર્સ ની જામીન અરજી અદાલતે નામંજુર કરવાનો હુકમ કર્યો છે. અત્રે નોંધનીય છે કે પંડ્યા બ્રધર્સ વિરુદ્ધ હત્યા ,ખંડણી ,મારામારી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.

33.8 ગ્રામ ગાંજો મળ્યો હતો
એક વર્ષ અગાઉ કોર્ટ મુદતમાં ગયેલા કેદીએ પોતાના બૂટમાં ગાંજો સંતાડીને મધ્યસ્થ જેલમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતાં તે ઝડપાઈ ગયો હતો. વડોદરા મધ્યસ્થ જેલના પોલીસકર્મી પ્રભાતસિંહ પરમારની ફરિયાદ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ જેલનો કાચા કામનો કેદી રાજા ઉર્ફે રાજેશ ડામોરની કોર્ટમાં મુદત હોવાથી તેને જાપ્તા હેઠળ કોર્ટમાં મોકલ્યો હતો. કોર્ટની કાર્યવાહી પૂરી કરી કેદી બપોરે પરત જેલમાં ફર્યો હતો. જ્યાં કેદીની અંગજડતી કરતાં તેના બંને સ્પોર્ટ શૂઝમાંથી 33.8 ગ્રામ ગાંજો મળ્યો હતો.

ગાંજો શૂઝમાં સંતાડી લીધો હતો
જેલ પોલીસ દ્વારા કેદીની પૂછપરછ કરાતાં તેણે જણાવ્યું હતું કે, જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા અને તેનો નાનો ભાઈ ચિરાગ પંડ્યા બંને મને કોર્ટમાં મળ્યા હતા. તે વખતે તેમણે મને જણાવ્યું હતું કે, આ ગાંજો તું તારા સ્પોર્ટ શૂઝની અંદર રાખી લે, આપણે જેલની અંદર ગાંજાનો કશ મારીશું. બંને ભાઈઓની વાતોમાં આવીને મેં ગાંજો શૂઝમાં સંતાડી લીધો હતો. આ ઘટના બાદ રાવપુરા પોલીસે કેદી રાજા ડામોર, સમીર પંડ્યા અને ચિરાગ પંડ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ગાંજો આપનાર અન્ય 2 કેદી સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.

અદાલતે અરજ નામંજુર કરી
ગુનામાં સંડોવાયેલા અને હાલમાં શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા સમીર ઉર્ફે બંટી પંડ્યા અને ચિરાગ પંડ્યા એ પોતાના વચગાળાના જામીન માગતા જામીન અરજી અત્રેની સેશન્સ અદાલતમાં રજૂ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલો બાદ અદાલતે અરજ નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here