વડોદરા : રૂા.2 લાખનું દેવું ઉતારવાં ક્રાઇમ પેટ્રોલ જોઇને 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું, ગણતરીના કલાકોમાં આરોપી ઝબ્બે

0
18

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર રહેતા અને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરતા યુવકે 2 લાખનું દેવું ઉતારવા માટે ક્રાઇમ પેટ્રોલ જોઇને ઘરની સામે જ રહેતા 7 વર્ષના બાળકનું ચોકલેટની લાલચ આપી અપહરણ કર્યા બાદ બાળકને ખટંબાની સોસાયટીના મકાનમાં લઇ જઇ તેના મોં પર પટ્ટી બાંધી હાથે -પગે દોરડું બાંધી દીધું હતું. તેણે બાળકને કરંટ આપવાની અને બોંબ ફોડવાની પણ ધમકી આપી હતી. જોકે આ મકાનની બાજુમાં રહેતી બાળકી રડી રહેલા અપહૃત બાળકને જોઇ ગઇ હતી અને બાળકનો છુટકારો થયો હતો. પાણીગેટ પોલીસે અપહરણ કરનારા યુવકને ઝડપી લીધો હતો.

ટ્યુશન શિક્ષિકાએ પરિવારને જાણ કરી
વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ સોસા.-1માં રહેતા પ્રવિણ છતરાજીભાઇ પ્રજાપતિએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી કે 25 તારીખે સાંજે તેમના 11 અને 7 વર્ષના બે પુત્રો ટ્યૂશન ગયા હતા. સાંજના 6 વાગે 11 વર્ષનો પુત્ર ઘેર આવી ગયો હતો પણ 7 વર્ષનો પુત્ર ઘેર ના આવતાં તેની શોધખોળ કરી હતી. પણ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ તેમની પત્ની પર રાધેશ્યામ સ્ટડી સેન્ટરનાં શિક્ષિકાનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે તમારો પુત્ર ખટંબાની સોસાયટીમાં ક્લાસમાં સાથે ભણતી છોકરીની સોસાયટીના એક ઘરમાં બાંધેલી હાલતમાં છે. જેથી માતા- પિતા સહિતનો પરિવાર ખટંબાની સોસાયટીમાં ગયાં હતાં.

ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
જ્યાં એક મકાનનું તાળું તોડી તપાસ કરાતાં 7 વર્ષનો બાળક બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પરિવારે બાળકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેમના ઘરની સામે જ રહેતો આશિષ અશ્વિન રાજપુત તેને 10 રૂપિયા આપી ચોકલેટ લેવા હાઇવે પર મોકલ્યા બાદ પાછળથી બાઇક પર તે આવ્યો હતો અને સાઇકલ ત્યાં મુકાવી દઇ બાઇક પર બેસાડીને આ સોસાયટીના મકાનમાં લાવ્યો હતો અને મોંઢા પર પટ્ટી બાંધી હાથે- પગે દોરડાં બાંધી દીધાં હતાં. અશ્વિને તેને ચપ્પુ બતાવી, રડીશ તો તને કરંટ લાગશે અને બોંબ ફોડી નાખીશ તેવી ધમકી આપી હતી. પાણીગેટ પીઆઇ બી.એમ.રાણાએ આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આશિષ અશ્વિન રાજપુતને ઝડપી લીધો હતો. પીઆઇ રાણાએ જણાવ્યું હતું કે યુવક ઇલેક્ટ્રિકનું કામ કરે છે અને તેને 2 લાખનું દેવું થઇ જતાં ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને અપહરણનો પ્લાન બનાવી અંજામ આપ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.

અપહરણ તો કર્યું પણ પછી ખંડણી માગતાં ગભરાયો
પોલીસ પૂછપરછમાં આશિષ અધિકારીના પગમાં પડી ગયો હતો અને મારી ભૂલ થઇ ગઇ છે તેવું રટણ કર્યું હતું. તેણે જણાવ્યું કે બાળકને રૂમમાં પૂરી નીચે ઉતરતો હતો ત્યારે તેને વિચાર આવ્યો હતો કે તેને પણ 3 વર્ષનું એક બાળક છે અને કોઇ તેની સાથે આવું કરશે તો કેવું વિતશે. આ વિચારોમાં તેણે માતાપિતાને ફોન કરી ખંડણી માગી ન હતી.

બાળકી બાળકને ઓળખી ગઇ અને શિક્ષકને જાણ કરી
આશિષ 7 વર્ષના બાળકને બાંધી દઇ મકાનને તાળું મારી ઘેર ગયો ત્યારે જે મકાનમાં બાળકને બાંધ્યો હતો તે મકાનની બાજુમાં રહેતી બાળકી આશિષ અને 7 વર્ષના બાળકને જોઇ ગઇ હતી. આ બાળકી અને 7 વર્ષનો બાળક બંને સાથે જ ટ્યૂશન ક્લાસમાં ભણતાં હોવાથી તે પોતાના નાના મિત્રને મકાનની બારીમાંથી જોઇ જતાં ઓળખી ગઇ હતી અને તેણે તેના પરિવારને વાત કરતાં ટ્યૂશન શિક્ષકને જાણ કરાઇ હતી, જેથી બાળકનાં માતાપિતાને જાણ થઇ હતી. પરિવારે અને લોકોએ મકાનનું તાળું તોડી બાળકને બહાર કાઢ્યો હતો.

ભાડાનું મકાન જોવાના બહાને ચાવી લઇ બાળકને પૂરી દીધો
પોલીસે જણાવ્યું હતું કે આશિષે ખટંબાની ચેતીગ્રીન સોસાયટીનું મકાન ભાડેથી આપવાનું હોવાની ઓનલાઇન જાહેરાત જોઇ હતી. ત્યારબાદ બાળકનું અપહરણ કરી તેને સોસાયટીમાં લઇ ગયો હતો જ્યાં મકાન જોવાના બહાને વોચમેન પાસેથી ચાવી લઇ મકાન ખોલ્યું હતું અને ઉપરના માળે બાળકને લઇ જઇ બાંધી દઇ પૂરી દીધો હતો. બાળકને ભૂખ લાગતાં તેણે બિસ્કિટ આપ્યાં હતાં પણ ત્યારબાદ બાળક રડતાં તેને કરંટ આપવાની અને બોંબ ફોડવાની ધમકી આપી હતી અને મકાનને તાળું મારી જતો રહ્યો હતો.