વડોદરા : છાણી-નવાયાર્ડમાં 3 વર્ષ અગાઉ તોડેલા આવાસો ફાળવવા માગ

0
26

વડોદરાઃ શહેરના છાણી-નવાયાર્ડ વિસ્તારમાં પાલિકાએ ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે મકાનો તોડયા બાદ તેના રહીશોને આવાસોની ફાળવણી કરી નથી તેવા આક્ષેપો સાથે જાગો વડોદરા જાગોના નેજા હેઠળ મ્યુ.કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય છે કે, છાણી ગામમાં 18 મીટરની રોડલાઇનમાં 45 દુકાનો દબાણરૂપ હોવાનુ કારણ આપીને તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે અને તેના દુકાનદારો માટે પાલિકા તરફથી શોપીંગ સેન્ટર બનાવીને તેમાં દુકાનો ફાળવવાની ભલામણ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. જોકે, આ વિવાદ વકરે તેવા અણસાર મળતા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં તેના મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાનું ટાળ્યું હતું.

3 વર્ષથી મકાનો નથી આપ્યાં
આ સંજોગોમાં, જાગો વડોદરા જાગોના નેજા હેઠળ કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવત અને નરેન્દ્ર રાવતની આગેવાનીમાં પાલિકામાં મોરચો કાઢવામાં આવ્યો હતો. જેમાં, તેમણે 197 સરકારે બંધ કરેલી રાજીવ આવાસ યોજનાના નામે મકાન ફાળવવા પૈસા ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેવી જ રીતે, અહેમદરજાનગરમાં 3 વર્ષથી 93 ગરીબોના મકાનો તોડ્યા પછી પણ મકાનો ફાળવાયા નથી તેવી રજૂઆત કરી હતી.

પૂજા ક્ન્સ્ટ્રક્શનને બ્લેક લિસ્ટ કરવા માગ
રોડલાઈનના નામે તોડફોડ કરેલા મૂળ જમીન માલિકોને વળતર આપવામાં પાલિકા ન્યાય આપતી નથી તેવી પણ તેમણે હૈયાવરાળ ઠાલવી હતી. તદુપરાંત, શહેરીજનોને એક વર્ષ સુધી દુષિત પાણી પીવડાવનાર કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટક્શનને પાણી પુરવઠાની કામગીરીમાંથી બ્લૅક લિસ્ટેડ કર્યા પછી પણ બીજા પ્રોજેકટમાં કોના ઈશારે પાલિકામાં કામ ચાલુ છે તેવો સવાલ ઉઠાવીને તમામ કામોમાં પૂજા કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here