વડોદરા : 17 ટન ઓક્સિજન વધુ મળ્યો છતાં 5 હોસ્પિટલ હાંફી ગઇ

0
2

શહેરમાં કોરોનાના વધતાં કેસો સામે ઓક્સિજનનો ઓછો મળી રહ્યો છે. શહેરમાં શનિવારે નવલખી મેદાન ખાતે આવેલા ફીલિંગ સ્ટેશન પર સવારથી જથ્થો ખૂટતા ખાનગી હોસ્પિટલોમા દોડધામ મચી હતી. બીજી તરફ હાલોલનો ઓક્સિજન પ્લાન્ટ 15 કલાક ખોટકાતા ત્યાંથી વડોદરામાં આવતો 350 જેટલા ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો આવ્યો ન હતો. આખો દિવસ નવો જથ્થો નહીં મળતા 5 હોસ્પિટલના 75થી વધુ દર્દીઓ પર શિફ્ટિંગનું સંકટ ઉભુ થયું હતું.અગાઉ રોજ 172 ટન મળતો હતો, શુક્રવારે 189 ટન મળ્યો છતાં ખેંચ વર્તાઇ હતી.

નવલખી મેદાન ખાતે રોજબરોજ 35 ટન ઓક્સિજનનો જથ્થો આવતો હોય છે. પરંતુ ભાવનગરથી આવતું ટેન્કર મોડું પડતા શહેરની ખાનગી હોસ્પિટલને ઓક્સિજન માટે ફાંફા પડ્યા હતા. વાસણા રોડની ગેલેક્સી હોસ્પિટલમાં ઓક્સિજન નહીં હોવાથી ત્યાં સારવાર લઈ રહેલા 25 દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની નોબત આવી હતી. છાણીની ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા તેઓએ પાદરા ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટ સુધી વાહનો દોડાવવા પડયા હતા. દિવસ દરમ્યાન 29 બોટલ પાદરા પાસે આવેલા પ્લાન્ટમાંથી ભરાવવા પડ્યા હતા.

મંત્રી યોગેશ પટેલે સરકારની વાહવાહી કરતા જણાવ્યું હતું કે શુક્રવારે શહેરમાં 189 ટન ઓક્સિજનનો જથ્થો મળ્યો હતો. અગાઉ 18 ટન જથ્થો આણંદ, નડિયાદ અને ગોધરા ખાતે મોકલવામાં આવતો હોવાથી અછત વર્તાતી હતી. જો કે શનિવારે 182 ટનની માંગ સામે શહેરને માત્ર 172 ટન જથ્થો મળ્યો હતો. જેમાં પણ 10 ટનની ઘટ વર્તાઇ હતી. 5 હોસ્પિટલોમાં ઓક્સિજન રાત્રે ચાલે તેટલો જ હોવાથી નવા જથ્થાની કાગડોળે રાહ જોવાઇ રહી હતી.

ગેલેક્સી હોસ્પિટલના તબીબે કહ્યું, રાતે 9.30 કલાક સુધી ચાલે તેટલો જ જથ્થો છે સનફાર્મા રોડની ગેલેક્સી હોસ્પિટલમાં કુલ 29 દર્દી છે. જેમાંથી 25 હાઇ ઓક્સિજન અને 12 દર્દી આઇસીયુમાં છે. ગેલેક્સી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, સવારે ઓક્સિજનના સપ્લાયરે તેની પાસે જથ્થો ન હોવાનું જણાવ્યું હતું. રાતે 9.30 વાગ્યા સુધી ચાલે એટલો જ જથ્થો છે. જો જથ્થો નહીં મળે તો દર્દીઓને શિફ્ટ કરવાનો વારો આવશે.

5 હોસ્પિટલોમાં રાત્રે 11 વાગ્યાની સ્થિતિ

  • ગેલેકસી હોસ્પિટલ : ઓક્સિજનનો નવો જથ્થો ન મળતા રાત્રે ચાલે તેટલો જ જથ્થો બચ્યો હતો. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી 25 દર્દીને શિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.
  • ટ્રાય કલર હોસ્પિટલ : હાલમાં 70 દર્દીઓ પૈકી 16 હાઇ ફલો ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. રાત્રે માત્ર 4 કલાક ચાલે તેટલો જ જથ્થો રહયો હતો. તંત્રે પુરવઠાની બાયધરી આપી હતી. જો કે નવો જથ્થો નહીં મળે તો શિફ્ટિંગ કરવુ પડશે.
  • નવજીવન નર્સિંગ હોમ : 50 જેટલા દર્દી હાલમાં સારવાર લઇ રહ્યા છે. ઓક્સિજનનો નિયત જથ્થો નહીં મળતા અન્ય પ્લાન્ટ પાસે મદદ માગી છે. જો વ્યવસ્થા નહીં થાય તો દર્દીઓને બીજે શિફટ કરવા પડશે.
  • મેટ્રો હોસ્પિટલ : 16 જેટલા દર્દીઓ દાખલ છે. હાલમાં છેલ્લુ ડયુરા સિલિન્ડર ચાલી રહ્યો છે. બેકઅપ છે પરંતુ નવો જથ્થો નહીં મળે તો દર્દીઓને શિફટ કરવા પડશે.
  • શ્રીજી હોસ્પિટલ : શુક્રવારે ઓક્સિજનનો જથ્થો નહીં મળતા 10 દર્દીને શિફટ કરાયા હતા. શનિવારે પણ આ જ સ્થિતિ રહેતા વધુ એક દર્દીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડયો હતો.

ભાવનગરનો સપ્લાય ખોરવાતા 100થી વધુ હોસ્પિટલોને અસર
ભાવનગરથી આવતો ઓક્સિજનનો જથ્થો મોડો પડતાં શહેરમાં 100થી વધુ હોસ્પિટલમાં તેની અસર જોવા મળી હતી. શુક્રવારે રાતે 10 વાગે જથ્થો ખૂટી જતાં નવલખી મેદાનમાં વાહનોનો લાંબી લાઈનો જામી હતી. વહેલી સવારે 12.50 ટન જથ્થો આવ્યો હતો. જોકે 11 વાગ્યા સુધીમાં આ જથ્થો ખલાસ થયો હતો. ત્યારબાદ મોડી રાતે જથ્થો આવતાં નવલખી મેદાનના ફીલિંગ સ્ટેશન ખાતે ઓક્સિજન ભરાવવા માટે વાહનોની લાંબી લાઈનો પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here