વડોદરા: વડોદરા શહેરની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓનો ઇજારો ધરાવતા એમ.જે. સોલંકી અને ડી.જી. નાકરાણી દ્વારા થઇ રહેલા શોષણના વિરોધમાં આજે કર્મચારીઓ દ્વારા સયાજી હોસ્પિટલથી રાવપુરા પોલીસ સ્ટેશન સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને કર્મચારીઓના શોષણ માટે જવાબદાર ઇજારદાર અને અધિકારીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. અને ઇજારદારો સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
ઇજારદારો એક કર્મચારી દીઠ રૂપિયા 5થી 10 હજાર નફો મેળવે છે
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ, ગોત્રી મેડિકલ કોલેજ, ગોત્રી હોસ્પિટલ સહિત શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3 અને વર્ગ-4માં 1200 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓનો ઇજારો એમ.જે. સોલંકી અને ડી.જી. નાકરાણીનો છે. આ બંને ઇજારદારો દ્વારા સરકારમાંથી એક કર્મચારી દીઠ રૂપિયા 15000 થી રૂપિયા 21000 વસુલ કરે છે. અને કર્મચારીઓને રૂપિયા 6800થી રૂપિયા 10,000 પગાર ચૂકવવામાં આવે છે. આમ આ ઇજારદારો એક કર્મચારી દીઠ રૂપિયા 5 થી 10 હજાર નફો મેળવી રહ્યા છે. જેના વિરોધમાં કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરી રહ્યા છે.