Wednesday, September 29, 2021
Homeવડોદરા : રેલવે યુનિવર્સિટી અને IIMમાંં કેસ સ્ટડી બનતા પહેલાં સ્ટેચ્યૂના ટ્રેકમાં...
Array

વડોદરા : રેલવે યુનિવર્સિટી અને IIMમાંં કેસ સ્ટડી બનતા પહેલાં સ્ટેચ્યૂના ટ્રેકમાં 22 સ્થળે માટીનું ધોવાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રેલવે લાઈનમાં પ્રથમ વરસાદમાં જ ચાણોદથી કેવડિયા સુધી નાખેલી 32 કિલોમીટરના અંતરમાં 22 જગ્યાએ માટી ધસી પડી છે. જેને પગેલે આ રૂટ પર 50 કિમીની સ્પીડ પર ટ્રેન ચલાવવા તેમજ 3 રેલવે બ્રિજ પાસે માત્ર 10ની સ્પીડે ટ્રેન ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ 32 કિલોમીટરનો ટ્રેક સૌથી ઝડપી 9 મહિનામાં બનાવાયો હતો. જે આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) અને રેલવે યુનિ.માં કેસ સ્ટડી તરીકે ભણાવવાનો નિર્ણય કરાયો છે. જે તે સમયે આ પ્રોજેક્ટની સમગ્ર ટીમને બિરદાવાઇ હતી.

હવે ટ્રેકની હાલત કથળતાં પ્રોજેક્ટના ઇન્ચાર્જની 3 દિવસ પહેલાં બદલી કરી દેવાઇ છે. સ્ટેચ્યૂના 32 કિમીના ટ્રેક પર 22 જગ્યાએ માટી ધોવાઈ જતાં વેસ્ટર્ન રેલવેના એન્જિનિયરો અને અધિકારીઓની ટીમે સોમવારે કેવડિયા ખાતે તપાસ હાથ ધરી હતી. મરામત કામગીરી માટે રેલવેના 100 ટ્રેકમેન અને 50 અધિકારીઓ, મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવનાર સંસ્થા અને સમગ્ર પ્રોજેક્ટ કરનાર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કામે લાગ્યા છે. આગામી એક મહિના સુધી કામગીરી ચાલશે.

વેસ્ટર્ન રેલવે દ્વારા આ ઘટનાને સામાન્ય અને દરેક રેલવે ટ્રેક સાથે પ્રથમ વરસાદમાં બનતી ઘટના ગણાવી છે. જ્યારે રેલવે દ્વારા કેવડિયા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીની મુંબઈ ખાતે બદલી કરવામાં આવી છે. આગામી 3જી ઓગસ્ટે વડોદરા કેવડિયા રેલવે લાઈનનું જીએમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવનાર છે, જેને પગલે વડોદરા રેલવે ડિવિઝન દોડતું થયું છે. ઇન્સ્પેક્શન પહેલાં મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે.

ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, 32 કીમીનો ટ્રેક સોૈથી ઓછા સમય નવ મહિનામાં તૈયાર કરાયો હતો. જે કેસ સ્ટડી તરીકે રેલવે યુનિ. અને આઇઆઇએમાં ભણાવવાનો નિર્ણય કરાયો છે. કેવડિયા ટ્રેકમાં કેટલીક જગ્યાએ મરામત કરાઇ રહી છે, જે રૂટિન છે. આ કામગીરી 15 દિવસમાં પૂરી કરાશે. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે આ વિશે અજાણ હોવાનું કહી તપાસ કરવાની ખાતરી આપી હતી.

અગાઉ સીએસઆર ચાણોદથી માટી ટેસ્ટિંગ માટે લઈ ગયા હતા

કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા ચાણોદ-કેવડિયા લાઇનના ઇન્સ્પેક્શન સમયે ચાણોદ ટર્નિંગ પર જમીન પોચી હોવાનું જણાતાં કોથળો ભરી માટીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લઈ ગયા હતા અને 22 જગ્યાએ બદલાવ માટે સૂચનો કર્યાં હતાં. 130 સ્પીડે ટ્રેન દોડાવ્યા બાદ માત્ર 110ની સ્પીડની મંજૂરી અપાઇ હતી.

તકેદારી: ચાણોદથી કેવડિયા સુધી 50 કિમી સ્પીડ પર ટ્રેન ચલાવવા અને 3 રેલવે બ્રિજ પાસે માત્ર 10ની સ્પીડ રાખવા આદેશ

કાર્યવાહી: જે તે સમયે પ્રોજેક્ટની ટીમનું બહુમાન કરાયું હતું, ટ્રેક ધોવાતાં ડે. ચીફ ઇજનેરની દાદર ખાતે બદલી કરાઇ

મરામત: રેલવેના 150 કર્મચારીઓ, ખાનગી એજન્સીના કામદારો કામે લાગ્યા, ટ્રેકના રિપેરિંગને એક મહિનો લાગશે

જીએમ એવોર્ડમાંથી વડોદરા સિવિલ વિભાગ બાકાત

15 ઓગસ્ટના જીએમ એવોર્ડમાંથી વડોદરા સિવિલ વિભાગના અધિકારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે કેવડિયા પ્રોજેક્ટ સંભાળનાર સિવિલ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયરનું 8 મહિના બાદ પ્રમોશન આવતું હોવા છતાં દાદર ખાતે બદલી કરવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી ચીફ એન્જિનિયર શિવચરણ બૈરવાએ જણાવ્યું હતું કે, આ અંગે હેડ ક્વાર્ટરમાં રજૂઆત કરાશે.

લાંબા રૂટની ટ્રેન ચાલુ, પ્રતાપનગરની બંધ

રેલવે દ્વારા સમગ્ર રૂટની કન્ડમ કામગીરી અંગે ભાંડો ન ફૂટે તે માટે લાંબા રૂટની 2 ડેઇલી અને 2 વીકલી ટ્રેન ચાલુ રાખવામાં આવી છે. જેને ધીમી ગતિએ ચલાવવા આદેશ કરાયો છે.

રેલવે કોન્ટ્રાક્ટરના ખર્ચે કામગીરી કરાવે છે, રૂટીન વસ્તુ છે

નવી લાઈન નખાયા પછી એક વર્ષ કોન્ટ્રાક્ટરને મેન્ટેનન્સ જોવાનું હોય છે. પહેલા વરસાદમાં આવી ઘટના બનવી સામાન્ય છે. રેલવે એક પણ પૈસો ખર્ચ્યા વગર કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવી રહ્યું છે. – આલોક કન્સલ, જીએમ, વેસ્ટર્ન રેલવે

આવું કેમ બન્યું?

માટીનું યોગ્ય રીતે દબાણ ના થતાં

ગત વર્ષે વિસ્તારમાં માટીપુરાણ બાદ ટ્રેક પર પાણી ભરાતાં ટ્રેક ઊંચો લેવાયો

ઉતાવળે કામગીરી કરવામાં આવી

વરસાદી પાણી નિકાલનું કામ બાકી

કેવી રીતે અટકાવી શકાયું હોત?

ટ્રેકની બાજુની માટીમાં ઘાસ ઉગાડી

ટ્રેક શરૂ થયા બાદ મેન્ટેનન્સ સમયે પથ્થર નાખી

કમિશનર ઓફ રેલવે સેફ્ટીનાં સૂચનો મુજબ બદલાવ કરી

હાલ શું થઈ રહ્યું છે?

ધસી ગયેલી જમીન પર રેતીની બોરી નાખવામાં આવે છે

ટ્રેક પર આવતા જર્કનું ટ્રોલી દ્વારા ઇન્સ્પેક્શન

મોટા પથ્થર, બલાસ અને માટી દ્વારા સેન્સિટિવ એરિયા કવર કરાય છે

(રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments