વડોદરાઃ 13 વર્ષ પહેલાં હિન્દુ યુવાન સાથે લગ્ન કરી બે સંતાનો સાથે સુખી સાંસારીક જીવન જીવતુ પરિવાર 3 માસ પૂર્વે શહેરના સનફાર્મા રોડ ઉપર રહેવા માટે આવ્યું હતું. રેસિડેન્સીના રહીશોને મહિલા મુસ્લિમ હોવાની જાણ થતાં રહીશોએ તેનો સામાજિક બહિષ્કાર કરી તેઓને સોસાયટીમાંથી મકાન ખાલી કરવા માટે મોરચો માંડ્યો છે.
13 વર્ષ અગાઉ લગ્ન થયા હતા
લવજેહાદની ઘટનાઓ વચ્ચે 13 વર્ષ પહેલા કચ્છના પંજાબી પરિવારના અમિત શર્મા અને મુસ્લિમ યુવતી મસરત જાફરીએ પ્રેમલગ્ન કર્યા હતા. 13 વર્ષના લગ્ન જીવનમાં તેઓને બે સંતાન છે. નોકરી ધંધાર્થે 3 માસ પહેલા પરિવાર વડોદરા આવ્યું હતું. અને શહેરના સનફાર્મા રોડ ઉપર આવેલી અર્થ રેસિડેન્સીમાં રામા ઐયર નામના વ્યક્તિની માલિકીનું મકાન ભાડે રાખીને રહેતું હતું. બે સંતાનો સાથે પરિવાર સુખમય જીવન જીવતું હતું.
સામાજિક બહિષ્કાર
દરમિયાન અર્થ રેસિડેન્સીના રહીશોને ખબર પડી કે, અમિત શર્માની પત્ની મુસ્લિમ છે. અને તેનું નામ મસરત છે. સોસાયટીના રહીશોએ તત્કાલ મિટીંગ બોલાવી હતી. અને પરિવારને સોસાયટીમાંથી મકાન ખાલી કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. એતો ઠીક રેસિડેન્સીના રહીશોએ પરિવારનો સામાજિક બહિષ્કાર શરૂ કર્યો. અને મુસ્લિમ મહિલા મસરતને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. રેસિડેન્સીના લોકો એટલેથી ન અટકતા મકાન માલિક રામા ઐયરને અમિત શર્માને મકાન ખાલી કરાવવા દબાણ કર્યું. મકાન માલિકે પણ રેસિડેન્સીના લોકોના દબાણમાં આવી અમિત શર્માને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી દીધી.
આત્મવિલોપનની તૈયારી કરી લીધેલી
ચારેકોરથી મુશ્કેલીમાં મુકાઇ ગયેલ અમિત શર્માની પત્ની મસરતે બે બાળકો સાથે આત્મવિલોપન કરી લેવાની તૈયારી કરી લીધી હતી. અને તે બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે, પોલીસે આ આંતરિક બાબત હોવાથી વધુ વિવાદમાં પડી ન હતી. સોસાયટીના રહીશોને પરિવાર સાથે સમાધાન કરવાની સલાહ આપી રવાના થઇ ગઇ હતી.અમિત શર્મા અને તેની પત્ની મસરતે જણાવ્યું હતું કે, અમે લગ્ન કરીને કોઇ ગુનો કર્યો નથી. દરેક મુસ્લિમ આતંકવાદી હોતા નથી. અમારા લગ્નને 13 વર્ષ થઇ ગયા છે. બે સંતાનો છે. અમે ખુશીથી રહીએ છે. પરંતુ, અર્થ રેસિડેન્સીના રહીશો હું મુસ્લિમ હોવાથી ટોર્ચર કરી રહ્યા છે. જીવવું મુશ્કેલ કરી દીધું છે. અમે જઇએ તો હવે ક્યાં જઇએ. અમારે ન્યાય જોઇએ છે. લવજેહાદની ઘટનાઓ વચ્ચે સનફાર્મા રોડ ઉપર આવેલી અર્થ રેસિડેન્સીમાં હિંદુ પંજાબી યુવાન અમીત શર્મા અને મુસ્લિમ યુવતી મસરત રિવર્સ લવજેહાદ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ કિસ્સો વર્તમાન સમાજ માટે વિચાર કરવા જેવો છે.