વડોદરા : આડબંધના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્તને 5 માર્ચે મંજૂરી આપી દીધી

0
3

રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામ નજીક મહી નદીમાં આશીર્વાદ સમાન આડબંધ(વિયર)ના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્તને 5 માર્ચે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુવિધ લાભો આપનારા પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમના ક્ષેત્રને આ પ્રકારના આયોજનનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ હતાં, જેમના પ્રયાસને આ મંજૂરીથી સફળતા મળી છે.

લાંછનપુર ધરામાં ડૂબવાની ઘટનાઓ રોકી શકાશે
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા પ્રશાસન મહી કાંઠાના પ્રવાસધામ લાંછનપુરમાં નદીના ધરાને લીધે થતાં ડૂબવાના અકસ્માતોની સમસ્યાના નક્કર ઉકેલની શોધમાં હતા. આ વિયર લોકોની સલામતીને લગતી આ સુચિંતાનું નિરાકરણ આણશે એવી ઉજળી સંભાવના છે.

વડોદરા અને આણંદ જિલ્વાને લાભ મળશે
પોઇચા કનોડા ગામે મહી નદીમાં નદીના તળથી 5 મીટર ઊંચાઇનો વિયર બાંધતા ઉપરવાસમાં અંદાજે 9 કિમી લંબાઈનું નદી જળ સરોવર રચાઈ શકે તેવી જાણકારી આપતાં વડોદરા સિંચાઇ વર્તુળના કાર્યપાલક ઇજનેર વિઠ્ઠલસિંહ બી.પરમારે જણાવ્યું હતું કે, આ આયોજન મહી કાંઠાના સાવલી તાલુકાના 34 ગામો અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 ગામો મળી કુલ 49 ગામોને સિંચાઇ અને ભૂગર્ભ જળ ભંડારમાં વૃદ્ધિ તથા કુવાઓના જીવંતિકરણ(રિચાર્જ) ના લાભો આપી શકે છે. આમ, આ મોટો આડબંધ આશીર્વાદનો આડબંધ બને તેવી ઉજ્જવળ શક્યતાઓ છે.

રાજ્ય સરકારે યોજના માટે 308 કરોડ મંજૂર કર્યાં
રાજ્ય સરકાર દ્વારા તેના નિર્માણ માટે અંદાજે રૂ. 308 કરોડ કરતાં વધુ રકમના સૂચિત ખર્ચને અનુમોદન આપ્યું છે. તેના પગલે સૂચિત સ્થળે મહી નદીમાં પાયાની ચકાસણી માટે ડ્રીલિંગ કરી, તેના આધારે આ સ્ટ્રકચરની ફાઇનલ ડિઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ પ્રાથમિક આલેખન કરવામાં આવ્યું હતું જેના આધારે મંજૂરી મળી છે.

7200 હેકટર જેટલી જમીનને સિંચાઇની સુવિધા મળતા ખેતી સુધરશે
આ આયોજનથી નદીના બંને કાંઠે 4 કિમીથી વધુ પહોળાઈમાં ભૂગર્ભ જળ ભંડાર વધશે. તેનાથી સીધી અને આડકતરી રીતે 7200 હેકટર જેટલી જમીનને સિંચાઇની સુવિધા મળતા ખેતી સુધરશે.

49 જેટલા ગામોના 400થી વધુ કૂવા જીવંત થવાની આશા
સિંચાઇ વિભાગ આ વિયરથી 49 જેટલા ગામોના 400થી વધુ કૂવા જીવંત થવાની આશા સેવે છે, જેનો ખેતીને લાભ મળશે. મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહિત થશે અને પશુપાલનને વેગ મળશે. આ ઉપરાંત સાવલીનગર અને આસપાસના 40 જેટલા ગામોની 50 હજાર જેટલી વસ્તી માટે અને ઉદ્યોગોમાં વપરાશ માટે પીવાના પાણીની યોજના બનાવી શકાશે. તેનાથી અંદાજે 38.50 લાખ ચોરસ મીટરનું જળ સરોવર રચાઈ શકે છે.

નદી પ્રવાસન ધામ તરીકે યુવાઓમાં ખુબ પ્રિય છે
આ વિયરના સ્થળની ઉપરવાસમાં લાંછનપુર ગામ આવેલું છે, જે નદી પ્રવાસન ધામ તરીકે યુવા સમુદાયમાં ખુબ પ્રિય છે. જોકે કમનસીબે નદીમાં આવેલા સીધી ધારના ઊંડા ધરાને લીધે આ સ્થળ જીવલેણ બન્યું છે અને છેલ્લા થોડા વર્ષોમાં આંધળું સાહસ ખેડનારા 110 જેટલાં પ્રવાસીઓ એ જીવ ગુમાવ્યો છે. ધરાને પૂરવાનો મોટો ખર્ચ કરવામાં આવે તો પણ આ જગ્યા સલામત બની શકે તેમ નથી.

અગાઉ નર્મદા પર ગરુડેશ્વર અને મહી પર વણાકબોરીમાં આડબંધ બાંધવામાં આવ્યા
ત્યારે આ વિયરથી બંને કાંઠે પાણીનો ભરાવો થતાં આ ધરો નદીના મધ્યમાં આવી જશે અને કાંઠાથી ત્યાં સુધી પહોંચવું અઘરું બનશે. જેથી ડૂબવાના અકસ્માતો આપોઆપ ખુબ ઘટી જાય અને સમસ્યા ઉકલે એવી આશા સેવાઇ રહી છે. આ પ્રકારના મોટા આડબંન્ધો અગાઉ નર્મદા પર ગરુડેશ્વર ખાતે અને મહી પર વણાકબોરી ખાતે બાંધવામાં આવ્યાં છે.

વિઠ્ઠલસિંહ પરમારે મોટા ફોફળિયા ગામને રાષ્ટ્રપતિ પદક વિજેતા બનાવ્યું
કાર્યપાલક ઇજનેર વિઠ્ઠલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ 2018ની મધ્યમાં વડોદરા સિંચાઇ વિભાગ દ્વારા આ સૂચિત વિયરની દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિઠ્ઠલસિંહ પરમારે ભૂતકાળમાં જિલ્લાના મોટા ફોફળિયા ગામને રાષ્ટ્રપતિ પદક વિજેતા રાજ્યના પ્રથમ નિર્મળ ગામ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

પાણીના અનેકવિધ લાભોનો વિનિયોગ કરતાં આયોજનો જળ સુલભતા વધારશે
પાણી અખૂટ છે, પણ સાચવીને વાપરવા જેવી કિંમતી જણસ છે. પાણીના અનેકવિધ લાભોનો વિનિયોગ કરતાં આ પ્રકારના આયોજનો જળ સુલભતા વધારશે. તેની સાથે વિશ્વ જળ દિવસે નદી, સરોવર અને અન્ય જળ સંસાધનોને પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત રાખવાનો અને સાચવીને વાપરવાનો સંકલ્પ લેવા યોગ્ય ખરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here