વડોદરાઃ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં 500 જેટલા મકાનોમાં કનડી નામની નીકળેલી જીવાતે લોકોનું રહેવું મુશ્કેલ કરી દીધું છે. ગામલોકોએ આ માતાજીનો પ્રકોપ હોવાનું જણાવતા સરપંચે માતાજીના મંદિરમાં હવન કરાવીને 51 કુવારીકાઓને જમાડી હતી. આમ છતાં કનડીની જીવાતનો ઉપદ્રવ ઓછો થયો નથી. તાલુકા આરોગ્ય વિભાગ આ જીવાતની કોઇ દવા નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી લેતા ગામલોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
ખુલ્લામાં રસોઇ બનાવીને જમવાની ફરજ પડી
ભાદરવા ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગામના ઇન્દીરા આવાસ, સરદાર આવાસ, ઉંડા ફળિયા, પીપડા ફળિયા સહિત ગામના મોટા ભાગના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં છેલ્લા 12 દિવસથી કનડી નામની જીવાતનો રાફડો ફાટ્યો છે. ઘરના સભ્યોને ઘરમાં બેસવાની પણ જગ્યા રહી નથી. પરિવારજનોને ઘર છોડીને ખુલ્લામાં રસોઇ બનાવીને જમવાની ફરજ પડી રહી છે. નાના બાળકોને એકલા મુકવા મુશ્કેલ થઇ ગયું છે. લોકોનું ઘરમાં રહેવું મુશ્કેલ થઇ ગયું છે. આ જીવાત અંગે તાલુકા આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
જીવાતનો ઉપદ્રવ ઓછો થયો નથી
સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, ભાદરવા ગામના લોકોની માન્યતા હતી કે, ચોમાસાની ઋતુમાં કનડી નામની જીવાત નીકળવી સામાન્ય બાબત છે. પરંતુ, કનડી નામની જીવાતનો રાફડો ફાટી નીકળવો માતાજીનો પ્રકોપ કહેવાય. માતાજીને શાંત કરવા માટે હવન કરવો જોઇએ. ગામલોકોની આસ્થાને ધ્યાનમાં લઇ શુક્રવારે ગામમાં આવેલા મહાકાળી મંદિરમાં હવન કરાવ્યો હતો. હવનમાં હુંજ બેઠો હતો. હવન કરાયા બાદ ગામની 51 કુંવારીકાઓને ભોજન પણ કરાવ્યું હતું. આમ છતાં, કનડી નામની જીવાતનો ઉપદ્રવ ઓછો થયો નથી.
આરોગ્ય વિભાગે ચુનાનો છંટકાવ કર્યો
ભાદરવા ગામમાં નીકળેલી જીવાત અંગે તાલુકા હેલ્થ ઓફિસર રાહુલસિંઘે જણાવ્યું હતું કે, ભાદરવા ગામમાં કનડી નામની જીવાતનો રાફડો ફાટ્યો છે. આ જીવાત માટેની કોઇ દવા નથી. કુદરતી છે. છતાં, આરોગ્ય વિભાગ દ્વારા ચુનાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પરંતુ, ચુનાથી કનડી નામની જીવાત અંકુશમાં આવી નથી. અમોએ આ જીવાતને અંકુશમાં લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગનું પણ ધ્યાન દોર્યું છે. અને જીવાતને અંકુશમાં લેવા માટે યોગ્ય દવાની માંગણી કરી છે.