Saturday, September 25, 2021
Homeવડોદરા : કિર્તનકાર તરીકેની ઓળખ ધરાવતા કિરીટભાઇ પટવાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
Array

વડોદરા : કિર્તનકાર તરીકેની ઓળખ ધરાવતા કિરીટભાઇ પટવાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

વડોદરાના પુષ્ટિ સંપ્રદાયમાં કિર્તનકાર તરીકેની ઓળખ ધરાવતા કિરીટભાઇ પટવા(ઉં.વ.79)નું કોરોનાની સારવાર દરમિયાન દુ:ખદ નિધન થયું છે. વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ચિરાગ પટવા(વડોદરા) અને ગોકુલધામ હવેલી-એટલાન્ટા, અમેરિકાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાના પિતા કિર્તનકાર કિરીટ પટવાના આકસ્મિક નિધનથી વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.

આગવી શૈલીથી ભજન અને શ્રી ઠાકોરજીના કિર્તનની રમઝટ જમાવી પ્રસિદ્ધ થયા હતા
વડોદરાના માંડવી વિસ્તારમાં મહેતા પોળ ત્યારબાદ હાલ નિઝામપુરામાં રહેતા કિરીટભાઇ પટવા જી.એસ.એફ.સી.માં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓએ યુવાકાળથી માંડવી સ્થિત શ્રીકલ્યાણરાયજી મંદિરમાં શ્રી ઠાકોરજીના કિર્તનનું ગાન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ વૈષ્ણવોના ઘરે થતાં ભજન-કિર્તન-સત્સંગમાં પોતાની આગવી શૈલીથી ભજન અને શ્રી ઠાકોરજીના કિર્તનની રમઝટ જમાવી પ્રસિદ્ધ થયા હતા.

અમેરિકાના એટલાન્ટા સ્થિત શ્રી ગોકુલધામ હવેલી ખાતે કિર્તનકાર તરીકે સેવા આપતા હતા
કિરીટભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી નિઝામપુરાની શ્રી ગોવર્ધનનાથજી હવેલી તેમજ અમેરિકાના એટલાન્ટા સ્થિત શ્રી ગોકુલધામ હવેલી ખાતે કિર્તનકાર તરીકે શ્રીગોવર્ધનનાથજીની સેવામાં પોતાનું જીવન વિતાવતા હતા.

કિરીટભાઇ પટવાના નિધનથી વૈષ્ણવ સમાજે આંચકો અનુભવ્યો
કિરીટભાઇ પટવા છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમિત થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન ‘રામનવમી’ પર્વે રાત્રિના સમયે તેમનું નિધન થયું હતું. કિરીટભાઇ પટવાના નિધનથી વૈષ્ણવ સમાજે આંચકો અનુભવ્યો છે. વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે શ્રદ્ધાંજલિ પાઠવતાં લખ્યું છે કે, સ્વ.કિરીટભાઇ પટવા શ્રી ઠાકોરજીના કિર્તનકાર ઉપરાંત પ્રેમાળ, દયાળુ, સતત પ્રવૃત્ત તેમજ ભગવદીય વૈષ્ણવ તરીકે હંમેશા યાદ રહેશે.

અમેરિકામાં રવિવારે પ્રાર્થના સભાનું આયોજન કરાયું
સ્વ.કિરીટભાઇને અંજલિ અર્પણ કરવા એટલાન્ટા-અમેરિકા ખાતે રવિવારે સાંજે 4થી 6 દરમિયાન તેમના પુત્ર અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા અને પુત્રવધૂ અમી પટવા દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments