વડોદરા : મ્યુકોરમાઇકોસિસ; રેમડેસિવિર બાદ તંત્ર એમ્ફોટેરિસિન ઈન્જેક્શનમાં ભેરવાયું

0
5

શહેરમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓનો આંક 330થી વધુ પહોચી ગયો છે ત્યારે વડોદરાને જ રોજના 1200 ઇન્જેકશનની જરૂર છે. ત્યારે દર્દીઓ માટે સરકારે વડોદરાને માત્ર લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન-બીના 125 ઇન્જેકશનનો સ્ટોક આપ્યો હતો.આ જોતા રેમડેસિવિર કરતા પણ એમ્ફોટેરિસિન ઇન્જેકશનમાં બદતર હાલત થઇ ગઇ છે, ખાનગી હોસ્પિટલના 100 દર્દીઓ માટે 25 ઇન્જેકશનનો સ્ટોક આવ્યો છે. છેલ્લા બે દિવસથી ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની વેદના ઝીલતા પોતાના સ્વજન માટે એસએસજીના ધક્કા ખાતા પરિવારજનોએ સરકાર મ્યુકોરમાઇકોસિસથી પિડાતા દર્દીઓ સાથે મજાક કરી રહી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સરકારી હોસ્પિટલના તબીબો પણ આ ઓછા જથ્થાને લીધે અકળાયા છે પણ સમસમીને બેસી રહ્યાં છે. શહેરમાં સરેરાશ રોજના 8થી 10 દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આગામી સમયમાં એસએસજીમાં ઓપરેશન કરવા માટે વધુ નિષ્ણાત તબીબોની જરૂર પડે તેવી શક્યતા સર્જાઇ છે. કોરોના ઓએસડી. ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, એસએસજીમાં જ રોજના 800 ઇન્જેકશનની જરૂર પડી રહી છે પણ 200થી ઓછા મળી રહ્યાં છે આ બાબત ગંભીર છે તેના ઉકેલ માટે પ્રયાસો ચાલી રહ્યાં છે.

ગાઈડલાઈન: દર્દીના સ્વજને જ ઇન્જેકશન લેવા આવવું ફરજિયાત
રેમડેસિવિર લેવા માટે સરકારના આદેશ મુજબ હોસ્પિટલે સ્ટાફ મોકલવાનો હતો પણ હોસ્પિટલો પરિવારજનોને જ મોકલતી હતી. તેથી હવે એમ્ફોટેરિસિન ઇન્જેકશન માટે ફરજિયાત પરિવારજનોએ આવવાનું રહેશે. પરિવારજનોએ પોતાનું ઓળખપત્ર અને દર્દીના પુરાવા લાવવાના રહેશે.

ઇન્જેકશન ન મળે તો વારંવાર ઓપરેશન કરવા પડે : ડૉ. આર.બી. ભેસાણીયા

ઇન્જેકશન ન મળે તો વારંવાર શસ્ત્રક્રિયા કરવી પડે અને ચેપ ફેલાવાનો ભય પણ વધે છે. જો મગજમાં પહોંચે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.

મ્યુકોરમાઇકોસિસથી 3નાં મોત, 13 દર્દીનાં જડબાં કાઢવાં પડ્યાં, SSG – ગોત્રીમાં જ નવા 16 દર્દી ઉમેરાયા

શહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા દર્દીઓ સતત ઉમેરાઇ રહ્યાં છે. શનિવારે મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન 3 દર્દીઓના મોત એસએસજી હોસ્પિટલ ખાતે નિપજ્યાં હતા. જ્યારે શહેરમાં કુલ 45 સર્જરીઓ કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલમાં નવા 11 કેસ આવતાં હવે કુલ 174 દર્દીઓ એસએસજીમાં થઇ ગયા છે. શનિવારે 14 દર્દીની અત્રે બાયોપ્સી કરાઇ હતી. જ્યારે 7 દર્દીઓનું સર્જરી દરમિયાન જડબુ અને એકની આંખ કાઢી નાંખવી પડી હતી. આ ઉપરાંત અન્ય 12 ઓપરેશન કરાયા હતા. એક દર્દીને સાજા થતાં ડિસ્ચાર્જ અપાયો હતો. બીજી તરફ ગોત્રીમાં 5 નવા કેસો આવતાં ટોટલ કેસોની સંખ્યા 56 પર પહોંચી ગઇ છે. 6ના જડબા કાઢી નાંખવા પડ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here