વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નામચીન ગુનેગાર હુસેન સુન્ની પોલીસને જોઈ દારૂનો જથ્થો ફેંકી ફરાર થઈ જતા પોલીસે તેને અને તેના સાગરીત વોન્ટેડ જાહેર કર્યા છે.
કારેલીબાગ બાળ રીમાન્ડ હોમ પાસે દારૂનો ખુલ્લેઆમ ધંધો ચાલી રહ્યો હોવાની વિગતોના પગલે કારેલીબાગ પોલીસે ગઇરાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ હુસેન સુન્ની અને તેનો સાગરીત ઈસ્માઈલ ઉર્ફે લાલુ પઠાણ થેલો ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે થેલામાંથી દારૂના રૂ.9,400 ની કિંમતના 94 પાઉચ કબજે કર્યા હતા.
ત્યારબાદ પોલીસે હુસેન સુન્નીના મકાન પાસે ઝૂંપડામાં દરોડો પાડતા ક્યાંથી રૂ 1.36 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો સાચવતા નરેશ ગોવિંદભાઈ હોમેરાની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો હુસેન સુન્ની અને ઈસ્માઈલ પઠાણનો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બંનેને બીજા ગુનામાં પણ વોન્ટેડ જાહેર કર્યા છે.