વડોદરા : ઉત્તરાયણ પર્વને લઈને પાલિકાના ફૂડ વિભાગનું 32 સ્થળોએ ચેકિંગ, ચિક્કી અને ઉંઘીયા સહિત 72 નમૂના લીધા

0
4

ઉત્તરાયણ પર્વને લઈને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વડોદરા શહેરમાં 32 સ્થળોએ મેન્યુફેક્ચરીંગ યુનિટો અને દુકાનોમાં તલ, ચિક્કી, ઉંધીયુ, તેલ, ગોળ, ઘી અને બેસનનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન 7 વેપારીઓને શિડ્યુલ-4ની નોટિસ ફટકારીને સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચના આપી હતી અને કોવિડ-19ની ગાઇડલાઇનનું પણ પાલન કરવા માટેની સૂચના આપી હતી.

નમૂનાઓને તપાસ માટે લેબમાં મોકલાયા

ઉત્તરાયણ પર્વમાં વડોદરા શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરાના સરદાર એસ્ટેટ, ગોરવા, વાઘોડિયા રોડ, માંજલપુર, મકરપુરા, સોમા તળાવ, નિઝામપુરા, અલકાપુરી, ગોત્રી રોડ, કોઠી ચાર રસ્તા, વારસીયા, સયાજીગંજ, દિવાળીપુરા, રાવપુરા, રાજમહેલ, દાંડિયા બજાર અને કારેલીબાગ વિસ્તારમાં આવેલા 32 સ્થળોએ મેન્યુફેક્ચરીંગ યુનિટો અને દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું અને સિંગ, તલ, ચિક્કી, ઉંધીયુ, ઐતેલ, ગોળ, ઘી અને બેસન સહિતની વસ્તુઓના 72 જેટલા નમૂના લીધા હતા. જેને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

7 વેપારીઓને શિડ્યુલ-4ની નોટિસ ફટકારી

આ ઉપરાંત ફૂડ વિભાગના અઘિકારીઓએ 7 વેપારીઓને શિડ્યુલ-4ની નોટિસ ફટકારીને સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચના આપી હતી. પાલિકાના ફૂડ વિભાગના ચેકિંગને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.