Saturday, September 25, 2021
Homeવડોદરા : રેગિંગ કેસ : વિદ્યાર્થીએ કહ્યું, ‘સિનિયરોનો ત્રાસ રાતે 2 વાગ્યાથી...
Array

વડોદરા : રેગિંગ કેસ : વિદ્યાર્થીએ કહ્યું, ‘સિનિયરોનો ત્રાસ રાતે 2 વાગ્યાથી શરૂ થયો હતો, એ દિવસે એકને પેશાબમાંથી લોહી નીકળતાં દાખલ કરવો પડ્યો હતો’

ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં નવો ખુલાસો એ થયો છે કે કોલેજ સત્તાધીશોએ જે 4 વાગ્યાની અને 3 તબીબની થિયરી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. રેગિંગની ઘટના સવારે 4થી 5માં નહીં પણ રાત્રે 2 વાગ્યાથી શરૂ થઇ હતી. બીજુ સિનિયર 3 તબીબો સાથે બે અન્ય માથાભારે યુવક આવ્યા હતા. આ સનસનાટીભર્યો ઘટસ્ફોટ એક વિદ્યાર્થીના વાલીએ કર્યો છે.

ઓળખ જાહેર ન કરવાની શરતે વાલીએ જણાવ્યું કે ‘મારા પુત્ર સાથે મેં વાત કરી છે. તેણે હકીકત જણાવી છે. હોસ્ટેલમાં સેક્સ્યુઅલ હુમલાના ભયે જુનિયર પુરુષ તબીબો બાયવાળા અંત:વસ્ત્રો પહેરે છે. કારણ કે ગમે ત્યારે સિનિયરો આવી જાય તેવી ધાસ્તી વિદ્યાર્થીઓમાં હોય છે. તમે જાતે જઇને આ બાબતની ખાતરી કરી શકો છો.’ આ વાલીએ પુત્રના જણાવ્યા મુજબની વાત શબ્દશ: કરી હતી…

રાતે 2 વાગ્યે સિનિયરો દરવાજા ખખડાવતા

‘આગલે દિવસથી (સોમવારથી) પરીક્ષા શરૂ થવાની હોવાથી અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ મોડે સુધી વાંચી રહ્યા હતા. કેટલાક તો જમ્યા પણ ન હતા. અચાનક બે વાગે જોર જોરથી અમારા સિનિયરોએ રૂમોના દરવાજા ખખડાવાના શરૂ કર્યા અને તાત્કાલિક રૂમની બહાર નીકળવાનો આદેશ અપાયો. અમે શું થયું એ વિચારીને બહાર નીકળ્યા ત્યારે એક સાઇડ પર ઊભા થવાના આદેશ અપાયા. અમને જાણ પાછળથી થઇ કે ત્યાં સીસીટીવીની પહોંચથી દૂર હતો. અમારા પૈકી ચારેક જણે અમે દંડ બેઠક નહીં કરીએ તેવું સામે થઇને કહેતા તેમને સાઇડ પર કરવામાં આવ્યાં.’

કેટલાક વિદ્યાર્થીઓને ઊલટીઓ થવા લાગી હતી

‘બધાને 100-100 ઊઠબેસ કરવાનું જણાવવામાં આવ્યું. બધા એ ઊઠબેસ શરૂ કરી. પણ કેટલાક બેઠકમાં જ વિદ્યાર્થીઓ પડવાના શરૂ થઇ ગયા. એકને ઉલટી થવા માંડી. એટલે સિનિયરોએ કામચલાઉ ટ્રીટમેન્ટ પણ આપવાની શરૂ કરી હતી. પણ પછી પરિસ્થિતિ હાથથી જતા અટકી ગયા હતા.’ ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં પાંચ પૈકીના બે યુવકોને બચાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં હોવાની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચા થઇ રહી છે.

એક વિદ્યાર્થીને પેશાબમાં લોહી આવતાં દાખલ કરવો પડ્યો

દંડ બેઠક કરી ચૂકેલા સેકન્ડ યરના એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. તેને પેશાબમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ એકત્ર થઇ ગયા હતા. અને પેથોલોજી વિભાગમાં ટેસ્ટ માટે લઇ ગયા હતા. ત્યાર બાદ તેની વધુ સઘન સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

કમિટી રિપોર્ટ આપશે તો કાર્યવાહી થશે: પોલીસ

આ પ્રકરણમાં ગોરવા પોલીસ પાસેથી કોલેજે સોમવાર સાંજથી પોલીસ બંદોબસ્ત માગ્યો છે. આ વિશે એસીપી પી.એચ.ભેંસાણિયાએ જણાવ્યું હતું કે જો કોલેજની એન્ટીરેગિંગ કમિટી રિપોર્ટ આપશે અને કાર્યવાહી કરવાની માગણી કરશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. કયા વિદ્યાર્થીઓનો રેગિંગમાં શું રોલ હતો તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સોમવારે બપોર સુધી પોલીસને આપવામાં આવ્યા ન હતા.

રેગિંગ અંગે સરકારનો તપાસનો આદેશ: કેમ્પસમાં પોલીસ તૈનાત

રેગિંગની ઘટના પ્રકાશમાં આવતા રાજય સરકારે તપાસનો આદેશ આપ્યો છે. ગોત્રી મેડિકલ કોલેજમાં સોમવારે મીટિંગોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બેઠકમાં ગોરવાના પીઆઇ પણ હાજર રહ્યા હતા. કોલેજના સત્તાધીશોએ પોલીસ બંદોબસ્ત માગતા 14 પોલીસ કર્મી કેમ્પસમાં હોસ્ટેલ સહિતના વ્યૂહાત્મક સ્થળે ગોઠવ્યો છે. સત્તાધીશોએ પોલીસને જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓને આ મુદ્દે દબાણ કરાઇ રહ્યું છે. જેને પગલે આ તપાસને અસર થાય તેમ છે. કોલેજ ડીન ડો. વર્ષા ગોડબોલેએ જણાવ્યું હતું કે, ‘ આ પ્રકરણમાં અમે કોઇ નિર્દોષ પર કાર્યવાહી નહીં થાય તેનું વિશેષ ધ્યાન રાખીશું. અમે વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને તેમની સાથે વાતચીત કરી છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments