વડોદરાઃ વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી 100થી વધુ સોસાયટીમાં ગટરની સુવિધા ન હોવાથી સમગ્ર વિસ્તાર ગંદગીથી ખદબદે છે. જેથી કંટાળેલા રહીશોએ આજે પીએમ મોદીને પીએમ ઓનલાઇનમાં લેટર લખીને ગટ ખોદવાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.
વુડાએ પણ હાથ ઊંચા કરી દીધા
વડોદરા શહેરના ભાયલી રોડ આવેલી રીવેરા-2, નારાયણ વેસ્ટ, સીલ્વર નેસ્ટ, સોલારીઝ, શામલ સહિતની 100થી વધુ સોસાયટીઓમાં ગટરના કનેક્શન જ આપવામાં આવ્યા નથી. શરૂઆતમાં બિલ્ડરોએ ખાળકૂવા ખોદી આપ્યા હતા. પરંતુ ખાળકૂવા ઉભરાતા હવે આ વિસ્તાર ગંદગીથી ખદબદી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયું છે. જેથી સોસાયટીઓના રહીશો પીએમ અને સીએમને અનેક વખત ઓનલાઇન ફરિયાદો કરી ચૂક્યા છે. આ ઉપરાંત વુડામાં પણ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ આ સોસાયટીઓ તેમની અંડરમાં ન આવતી હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે.
ગટરના પાણીના કારણે મચ્છરનો ઉપદ્ગવ વધ્યો
ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી લોકો મચ્છરજન્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે. જેના કારણે સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ નં-1માં આ એરિયા આવે છે, તેમ છતાં હજુ સુધી મુશ્કેલી અંગે કોઇ કાર્યવાહી થઇ નથી.
કંટાળીને લોકોએ પીએમ મોદીને પત્ર લખીને આમંત્રણ આપ્યું
ગંદગીથી કંટાળેલા આસપાસની 20 જેટલી રહીશો આજે ભેગા થયા હતા. અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દેશના પીએમ નરેન્દ્ર મોદીને ઓનલાઇન લેટર લખીને આમંત્રણ આપ્યું હતું. જેમાં રહીશોએ લખ્યું છે કે, માફી સાથે અમે તમને કહીએ છીએ કે, અમે ગટર ખોદવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં તમને હાજર રહેવા માટે આમંત્રણ આપીએ છીએ.
કેટલીક સોસાયટીઓના લિફ્ટમાં ગંદુ પાણી ઘૂસ્યુ
નારાયણ એસેન્ઝા સહિતની કેટલીક સોસાયટીઓમાં તો લિફ્ટ ગંદા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકો લિફ્ટનો પણ ઉપયોગ કરી શકતા નથી.
અમે ગંદગીથી ત્રસ્ત છીએ
રિવેરા-2ના સેક્રેટરી કેદાર બુમીયાએ જણાવ્યું હતું કે, અમે લાખો રૂપિયાના મકાન ખરીદ્યા બાદ પણ અમને કોઇ સુવિધાઓ મળી નથી. અમે ગંદગીથી ત્રસ્ત થઇ ગયા છીએ. અમારા ત્યાં મહેમાનોને બોલાવતા પણ અમે ખચકાઇએ છીએ. આજે અમે પીએમ મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. ત્યારબાદ અમે પાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરવા જવાના છીએ.