વડોદરા : હોટલ માલિકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 11.50 લાખની કિંમતનો મુદામાલ ચોરી

0
19

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી હોટલ માલિકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 11.50 લાખની કિંમતનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હોટલ માલિક ભાઈની ખબર કાઢવા માટે હોસ્પિટલ જતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

સોના-ચાંદીના દાગીના મળીને 11.50 લાખના મુદ્દામાલ ચોરી

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી નાલબંધવાળામાં મરિયમબીબી શેખ પરિવાર સાથે રહે છે. તેઓના ઘરમાં ઘરની સામે તેઓની મટનની હોટલ આવેલી છે. બુધવારે મરિયમબીબી શેખ હોસ્પિટલમાં દાખલ પોતાના ભાઇની ખબર કાઢવા માટે ગયા હતા અને રાત્રે હોસ્પિટલમાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનના તાળા તોડી કોઈ શખસો તિજોરીમાંથી રોકડા રૂપિયા 10 લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને રૂપિયા 11.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

હોટલ માલિક ઘરની તિજોરીનો સામાન વેરવિખેર જોઈ ચોકી ઉઠ્યા

આજે સવારે હોટલ ખોલવા માટે આવેલા કર્મચારીએ હોટલ માલિકના ઘરનું તાળું તૂટેલું જોતા ચોકી ઉઠ્યો હતો. તુરંત જ તેને હોટલ માલિક મરિયમબીબીને ઘરના તાળા તૂટેલા હોવાના સમાચાર આપતા તેઓ હોસ્પિટલમાંથી ઘરે દોડી આવ્યા હતા. દરમિયાન મરિયમબીબીએ ઘરમાં જઈને તપાસ કરતા ઘરની તિજોરીનો સામાન વેરવિખેર જોઈ ચોકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા તિજોરીમાં મૂકેલા રોકડા 10 લાખ રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના જણાઈ ન આવતા વાડી પોલીસને જાણ કરી હતી.

પોલીસે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી

ગણતરીની મિનિટોમાં વાડી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. નાલબંધવાળામાં બનેલા ચોરીના બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. એક તબક્કે લોકોના ટોળેટોળા મરિયમબીબીના ઘર પાસે ઉમટી પડ્યા હતા. મરિયમબીબી ના ઘરમાં થયેલી ચોરીમાં કોઈ જાણભેદુ હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. હાલ વાડી પોલીસે મરિયમ બીબીની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here