Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયા વેચતો
Array

વડોદરા : દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયા વેચતો

કોરોના મહામારી દરમિયાન રેમડિસીવર ઇન્જેક્શનની અછતનો લાભ લઇને કાળાબજારી થતી હોવાથી વડોદરા પોલીસ એલર્ટ બની છે, ત્યારે પીસીબીએ બાતમીને 7500 રૂપિયામાં રેમડિસિવર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જ્યારે પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી 9 હજારની કિંમતમાં રેમડિસીવર ઇન્જેક્શન વેચતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેલ નર્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે છટકુ ગોઠવીને ડોક્ટરને રંગેહાથે ઝડપી પાડ્યો
પીસીબી પોલીસે બાતમીને આધારે પોલીસે છટકુ ગોઠવીને રેમડિસીવર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઇસમોને પકડવાની તૈયારી કરી હતી. એ.એસ.આઇ. હરીભાઇ વિરમભાઇએ કોલ કરીને એક ઇસમને રેમડિસિવર ઇન્જેક્શન અંગે પૂછપરછ શરૂ કરી હતી અને કહ્યું હતું કે, અમારો સંબંધી સ્પંદન હોસ્પિટલમાં દાખલ છે અને તાત્કાલિક ઇન્જેકશનની જરૂરીયાત છે, તેવુ કહેતાં ઇસમે એક ઇન્જેક્શન 7,500 રૂપિયા મળશે તેમ જણાવ્યું હતું અને એ.એસ.આઇ. હરીભાઇને કાળાબજારી કરનારે 5:42 વાગ્યે ફોન કરીને પૂછ્યું હતું કે, તમે હાલ કયાં છો? જેથી એ.એસ.આઇ. હરીભાઇએ જણાવ્યું હતું કે, તેઓ સુરસાગર બંબાખાના પાસે છે, જેથી ઇસમે પોતે રાવપુરા ટાવર સામે ઉભો છું, તેમ જણાવ્યું હતું અને ત્યાં આવવા જણાવતાં પોલીસ રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવી ગોઠવાઇ ગઇ હતી. એ.એસ.આઇ હરીભાઇ ત્યાં પહોંચતા ઇસમે હાથ ઉચો કરીને પોતાની ઓળખ છતી કરી હતી અને પોલીસ ત્યાં પહોંચતા પૈસા આપ્યા હતા અને કારમાંથી ઇસમે ઇન્જેક્શન આપતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

ડોક્ટર આર્થિક ફાયદા માટે 7,500 રૂપિયામાં ઇન્જેક્શન વેચતો હતો
પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ ડો. ધીરેન દલસુખભાઇ નાગોરા(ઉ.41),(રહે,ડી-84, પાવનધામ સોસાયટી, વૈકુઠ-2 પાસે, ખોડિયારનગર, વારસીયા રિંગ રોડ, વડોદરા)નો હોવાનુ જણાવ્યું હતું. ડો. ધીરેન નાગોરા પાસે ઇન્જેકશન ખરીદી કરવાનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણ કરવાનું લાયસન્સ કે પરમીટ માગતા તેની પાસે નહીં હોવાનુ જણાવ્યું હતું અને તેને ઇન્જેક્શની કિંમત 2500 રૂપિયા હોવાનું કબૂલ્યું હતું. જોકે તે આર્થિક ફાયદા માટે 7,500 રૂપિયામાં ઇન્જેક્શન વેચતો હતો. વધુ પૂછપરછ કરતા આરોપી ડોક્ટરના મિત્ર નામે જીગાએ કુણાલ નામના ઇસમને ફોન કરીને બોલાવ્યો હતો અને કૃણાલે પોતાને ઇન્જેકશન 5 હજાર રૂપિયામાં આપ્યું હતું.

આરોપી ડોક્ટર પાસેથી આઇ ફોન-11 સહિત બે મોબાઇલ મળ્યા
પોલીસે આરોપી ડોક્ટર પાસેથી 30 હજારની કિંમતનો આઇ.ફોન-11, 10 હજારની કિંમતનો બીજો મોબાઇલ, ઇન્જેક્શનના સ્વીકારેલા 7500 રૂપિયા, અને વધુ 62,500 રૂપિયા પણ મળી આવ્યા હતા. જોકે કારમાં તપાસ કરતા વધુ ઇન્જેક્શનો મળ્યા નહોતા, પરંતુ, કારના ડેસ્ક બોર્ડ ઉપર વૃંદાવન હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ.ના ડો.ગૌરાગ બી પટેલ એમ.ડી. ફિઝિશિયનના લેટર પેડવાળુ પ્રિસ્કીપ્શન મળી આવ્યું હતું. જેમાં દર્દીનુ નામ રમેશભાઇ પટેલ લખ્યું હતું. જેની નીચે ઇન્જેકશન ટોસીલીઝુમેબ અને તેની નીચે ડો. ગૌરાંગ બી. પટેલના ડિગ્રી તથા નામ સરનામા રથા રજીસ્ટેશન નંબરનો સિક્કો માર્યો હતો.

ટોસિલીઝુમેબનું એક ઇન્જેક્શન 43 હજારમાં વેચ્યું હતું
તેની સાથે દર્દી રમણભાઇ પટેલનુ સંમતિપત્ર ડો. ગૌરવ પટેલના સહી સિક્કા સાથેનું તથા રમણભાઇ શંકરભાઇ પટેલના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ મળી આવી હતી. જે પ્રિસ્ક્રિપ્શન બાબતે પૂછપરછ કરતા દર્દીને આ ઇન્જેકશનની જરૂરીયાત હોવાથી ડોક્ટરે લખીને આપ્યું હતું અને ગઇકાલે વાસદ જઇને ટોસિલીઝુમેબનું એક ઇન્જેકશન 43 હજાર રૂપિયામાં લાવીને આપ્યું હતું. પોલીસે ડો. ધિરેન નાગોરા અને ગેરકાયદેસર ઇન્જેકશન સપ્લાયર કૃણાલ નામના ઇસમ વિરૂદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મુસ્લિમ મેડિકલ સેન્ટરનો મેલ નર્સ 9 હજારમાં વેચતો હતો
પીસીબીએ ડોક્ટરની વધુ પૂછપરછ કરતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેઇલ નર્સ તરીકે નોકરી કરતો રાહુલભાઇ વાળંદ પણ આ રેમડિસિવર ઇન્જેકશનો વેચતો હોવાનું જણાવ્યું હતું. જેથી પીસીબીની ટીમે ડો. ધિરેન નાગોરાને રાહુલને ફોન કરવા માટે જણાવ્યું હતું, જોકે, પહેલા તો રાહુલે ઇન્જેક્શન આપવાની ના પાડી હતું, પરંતુ, આજીજી કરતા કોવીફોરનુ એક ઇન્જેકશન છે, તેના રૂપિયા 9 હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. અને જોઇતુ હોય તો 10 જ મિનિટમાં આર્યુવેદિક ત્રણ રસ્તા આવી જાઓ, તેવી વાત કરી હતી, જેથી તુરંત જ પોલીસ ભવનથી ખાનગી વાહનોમાં રવાના થઇને પોલીસકર્મીઓ આર્યુવેદીક ત્રણ રસ્તા ખાતે આવી છુટા છવાયા વોચમાં ગોઠવાઇ ગયા હતા. ફરીથી પોલીસે ડો. ધિરેન પાસે ફોન કરાવતા તેણે 10-15 મિનિટ ઉભા રહો, આવુ છુ, તેમ જણાવ્યું હતું. થોડી વાર પછી એક ઇસમ બાઇક પર આવતીને ઇશારો કરતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.

ઇન્જેકશન ખરીદી કરવાનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણ કરવાનું લાયસન્સ નહોતુ
પોલીસ પૂછપરછમાં તેણ પોતે રાહુલ પ્રવિણભાઇ વાળંદ(ઉ.વ.23), (હાલ રહે. મુસ્લિમ મેડિકલ સેન્ટર, દવાખાનામાં હરણખાના રોડ, પાણીગેટ, વડોદરા), (મૂળ રહે. ગામ દેવ પટેલ ફળીયુ, તા.બાલાસીનોર, જી. મહીસાગર(નો હોવાનુ જણાવ્યું હતું અને તેની પાસેથી રેમડિસિવર ઇન્જેક્શન મળી આવ્યું હતું. જોકે, તેની પાસે ઇન્જેકશન ખરીદી કરવાનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણ કરવાનું લાયસન્સ કે પરમીટ માગતા તેની પાસે નહીં હોવાનુ જણાવ્યું હતું

પોલીસે મોબાઇલ, બાઇક, ઇન્જેક્શન સહિત 59,500 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
આરોપી પાસેથી કોવિડ હેલ્થ કેર સેન્ટર, એમ.જી.ડી. વાય એમ.એમ.સી. એન્ડ બી.એમ.ડી.એ. હરણખાના રોડ, પાણીગેટ વડોદરાનુ કોવિડ-19 ફાયટર વાળંદ રાહુલ એમ.ના નામનુ ફોટા વગરનું આઇ.કાર્ડ અને જેના પર ડો.એમ. હુસેન ના નામનો સિક્કો તથા સહી કરેલા હતા. પોલીસે તેની પાસેથી મોબાઇલ, બાઇક, ઇન્જેક્શન સહિત 59,500 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments