વડોદરા: વડોદરા શહેરના દંતેશ્વરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં હિન્દી માધ્યમની સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સવારે સ્કૂલ રિસેશ દરમિયાન પોતાના ક્લાસ પાસેના ટેરેસ ઉપરથી પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીની ટેરેસ પરથી કૂદવાની ઘટના સીસીસીવીમાં કેદ થઇ ગઇ હતી. ભાભીના ભાઇના પ્રેમમાં પડેલી વિદ્યાર્થિનીને ભાઇ-ભાભીએ ઠપકો આપતા તેણીએ આ પગલું ભર્યું હોવાની વિગતો બહાર આવી છે.
વિદ્યાર્થિનીને 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ
વડોદરા શહેરના ડભોઇ રોડ પર પરિવાર સાથે રહેતી શાલિની(નામ બદલ્યુ છે) દંતેશ્વર ગામમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. સવારની પાળીમાં હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતી શાલિનીને સ્કૂલની રિસેશ દરમિયાન સ્કૂલના ટેરેસ પર બનાવવામાં આવેલા પોતાના વર્ગની બાજુમાંથી પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલી વિદ્યાર્થિનીને 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
શાલિની સવારે આવી ત્યારે ટેન્શનમાં હતી
આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતી સહેલીઓએ જણાવ્યું હતું કે, શાલિની સવારે આવી ત્યારે ટેન્શનમાં હતી. ટેન્શનનું કારણ પુછતાં તેને જણાવ્યું હતું કે, મારા ભાભીના ભાઇ સાથે પ્રેમ સબંધ છે. મારા ભાઇ-ભાભીને વાતની જાણ થતાં તેઓએ મને સ્કૂલમાં આવીને માર મારવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. મારા ભાઇ-ભાભી મને મારી નાંખે તેના કરતા હું જાતે જ મરી જવાનું વધુ પસંદ કરું છું. આ વાત થયા બાદ બાજુના ક્લાસમાંથી એક વિદ્યાર્થીનો ફોન લઇને તેણે કોઇ વ્યક્તિને ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વિચ ઓફ બતાવ્યા બાદ તુરંત જ તે અમારા ક્લાસની બાજુની ટેરેસની ખુલ્લી જગ્યામાંથી નીચે પડતું મુક્યું હતું.
વિદ્યાર્થિનીના માતા-પિતા દોડી આવ્યા
સ્કૂલની રિસેશ દરમિયાન વિદ્યાર્થિનીએ પડતુ મુકતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થઇ ગયા હતા. આ સાથે સ્કૂલની આસપાસમાં આવેલી સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ વિદ્યાર્થિનીના માતા-પિતાને કરવામાં આવતા તુરંત જ તેઓ સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીને થાપાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોબાઇલ લાવવા પર પ્રતિબંધ
સ્કૂલના પ્રાયમરી પ્રિન્સીપાલ સુરેખાબહેને જણાવ્યું હતું કે, સવારે રીસેષ સમય દરમિયાન વિદ્યાર્થિનીએ સ્કૂલની રિસેશ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તેની અમને ખબર નથી. સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોબાઇલ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
ગેરકાયદેસર બે વર્ગો બનાવી દેવામાં આવ્યા
દંતેશ્વરમાં આવેલી હિન્દી-ગુજરાતી માધ્યમની શ્રી સરસ્વતી વિદ્યાલય છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં ધોરણ-1થી 12 ચાલે છે. બે પાળીની સ્કૂલ છે. આ સ્કૂલના સંચાલકો દ્વારા ટેરેસ ઉપર ગેરકાયદેસર બે વર્ગો બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સ્કૂલમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા નથી. સ્કૂલ પાસે રમત-ગમત માટેનું પોતાનું મેદાન પણ નથી. સોસાયટીઓ વચ્ચે આવેલી સ્કૂલ સ્થાનિક લોકો માટે પણ માથાનો દુઃખાવો બની ગઇ છે.
શિક્ષિકાનો ભૂલકાઓને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.
વડોદરા ડી.ઇ.ઓ કચેરીના અધિકારીઓએ સરસ્વતિ વિદ્યાલયમાં તપાસ કરીને તૈયાર કર્યો છે. જેમાં શાળાની બેદરકારી સામે આવી છે. ડી.ઇ.ઓ સ્કૂલને નિષ્કાળજી મુદ્દે નોટિસ પાઠવશે. સ્કૂલના ટેરેસ પર માત્ર અઢી ફૂટની પેરાફિટ વિદ્યાર્થીઓ માટે ખતરારૂપ છે. શ્રી સરસ્વતી વિદ્યાલય પહેલાં પણ વિવાદમાં આવી ચૂકી છે. જેમાં શિયાળામાં નાના ભૂલકાઓને કપડા કઢાવી સોટીથી શિક્ષિકાએ માર મારતા વીડીયો વાયરલ થયો હતો.