વડોદરા : મેડિકલ કોલેજની લેબોરેટરી એ એક વર્ષમાં દોઢ લાખ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા

0
0

કોરોનાનું સંકટ પૂરેપૂરૂ શમ્યું નથી ત્યાં તો મ્યુકરે માથું ઊંચક્યું. છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમયથી આ બંને અઘરાં તબીબી પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત, ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે. તેમાં બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે યોગદાન આપ્યું છે.

આ વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે 30 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે. તેમાં કમ્પલિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર,બોડી ફ્લુઇડ અને કો-ઓગ્યુલેસન ટેસ્ટનો સમાવેશ થાય છે.

કોવિડની સાથે હવે પેથોલોજી વિભાગ મ્યુકરની સારવાર નિર્ધારિત કરવામાં ઉપયોગી બાયોપ્સી રિપોર્ટ એટલી જ તત્પરતા સાથે આપી રહ્યો છે તેવી જાણકારી આપતાં ડો.સ્મિતા પટેલે જણાવ્યું કે, મ્યુકરના સચોટ નિદાન માટે વિભાગની હિસ્ટોપેથોલોજી પ્રયોગશાળાએ 500થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યા છે. રોજ રોજ આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. વિભાગની હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી લેબ ખાતે સતત કેસોની બાયોપ્સી સ્વીકારી યુદ્ધના ધોરણે બે દિવસમાં પ્રોસેસ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 3 થી 4 દિવસ લાગે છે. આવશ્યક કેસોમાં ફંગસ માટેની ખાસ સ્ટેઇન કરી કન્ફર્મ કરવામાં આવે છે.

અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે.  તેને અનુલક્ષીને સાયટોલોજી લેબમાં વિશેષ ઇમ્પ્રીન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે અને તેના પર સ્પેશિયલ સ્ટેઇન કરી 3 થી 4 કલાકમાં લેબ રિપોર્ટ આપી દેવાય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 1 થી 2 દિવસનો સમય લાગી જાય છે.

સયાજી હોસ્પિટલ અને પેથોલોજી વિભાગને હાલમાં ધારાસભ્યના અનુદાનમાંથી બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ફાળવવામાં આવ્યા છે જે દર્દીઓના કંપ્લિટ બ્લડ સેલ કાઉન્ટ ટેસ્ટમાં ખૂબ ઉપયોગી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here