વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઢોરવાડાઓ સામે શરૂ કરેલી કાર્યવાહીના પગલે આજે ગોરવા વિસ્તારમાં 11 ઢોરવાડાને સીલ કર્યાં હતા. કામગીરી દરમિયાન સ્થાનિક એક યુવાનની તબિયત બગડતા લોકોએ તંત્રને જવાબદાર ઠેરવી રોષ ઠાલવ્યો હતો. બીજી બાજુ યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી તુરંત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, આ બનાવ પછી પણ પાલિકાએ કામગીરી ચાલુ રાખી હતી.
ઢોર પાર્ટીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી
વડોદરા શહેરીજનોને માર્ગો પર રખડતી ગાયોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ચાલતા ઢોરવાડાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. આજે ગોરવા વિસ્તારમાં ગોરવા પોલીસ મથકની પાછળ આવેલા રબારીવાસમાં કોર્પોરેશનની દબાણ શાખા અને ઢોર પાર્ટીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. પાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભા કરી દેવામાં આવેલા 11 ઢોરવાડાને સીલ મારી દીધા હતા.