વડોદરા: લોકસભામાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે બજેટને 10માંથી 7.5 ટકા આપ્યા છે. એફ.જી.આઇ.ના પ્રમુખ મનોહર ચાવલાએ જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જે અપેક્ષા પ્રમાણેનું નથી. પરંતુ આ બજેટ તમામ સ્તરે જોતા બેલેન્સ છે.
પેટ્રોલ-ડિઝલમાં સેસમાં વધારો કરવાથી ઉદ્યોગો ઉપર ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ વધશે
એફ.જી.આઇ.ના પ્રમુખ મનોહર ચાવલાએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણના બજેટને આવકારતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય, ગરીબ અને ખેડૂતવર્ગને ધ્યાનમાં રાખીને બેલેન્સ બજેટ આપવામાં આવ્યું છે. પરંતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની જે અપેક્ષા હતી. જો લઘુ અને મધ્યમ વર્ગની માંગ પૂરી કરવામાં આવી હોત તો રોજગરીની તકો વધુ ઉભી થઇ શકાઇ હોત. જોકે, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખેડૂતો ઉપર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો હતો. જેથી રોજગારી ઉભી થશે. પેટ્રોલ-ડિઝલમાં સેસમાં વધારો કરવાથી ઉદ્યોગો ઉપર ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ વધશે.
યોજનાઓનો અમલ થાય તો રોજગારીની તકો ઉભી થશે
ઉદ્યોગપતિ પરેશ સરૈયાએ જણાવ્યું કે, બજેટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે રાહત આપવામાં આવશે, તેમ લાગતુ હતું. પરંતુ આશા ઠગારી નિવડી છે. ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ મામલે બજેટમાં દર્શાવાયું છે. પરંતુ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઓવરઓલ બજેટ બેલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે આવકારદાયક છે. બજેટમાં જે યોજનાઓ મૂકવામાં આવી છે તેનો અમલ થાય તો જ રોજગારીની તકો ઉભી થશે.
ઇ-વ્હિકલ માટે મૂકેલી પ્રોત્સાહિત યોજના લાભદાયી નીવડશે
એફ.જી.આઇ.ના ઉપપ્રમુખ અભિષેક ગંગવાલે જણાવ્યું હતું કે, 250 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષ અત્યારે 25 ટકા છે. તેનાથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને 30 ટકા ટેક્ષ ભરવાનો રહેતો હતો. હવે 400 કરોડનું ટર્નઓવર સુધીની કંપનીઓનો 25 ટકા સ્લેબમાં સમાવેશ કરવામાં આવતા કંપનીઓને ફાયદો થશે. ઇ-વ્હિકલ માટે મૂકેલી પ્રોત્સાહિત યોજના આવનારા દિવસો માટે લાભદાયી નીવડશે. લોકો ઇ-વ્હિકલ તરફ વળે તે માટે ઇ-વ્હિકલ ઉપર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. કંપનીઓમાં નોકરી કરતા કામદારો માટે ઇ.એસ.આઇ.ના જે લાભો મળે છે. તેમાં સુધારો કરવાની જરૂર હતી. બજેટમાં મહિલાઓ માટે નારી તુ નારાયણી શિર્ષક હેઠળ સૂચવવામાં આવેલી યોજનાઓ મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ બજેટથી દેશની ગરીબ અને મધ્યમ વર્ગ પરેશાન થઇ જશે
કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, બજેટ લોકોની અપેક્ષા મુજબનું નથી. ગરીબ અને મધ્યમવર્ગને દિવસે સપના બતાવનારું બજેટ છે. બજેટમાં માત્ર જુના વાયદાઓ અને જુની યોજનાઓને નવા રૂપ આપીને પુનરાવર્તન કરવામાં આવ્યું છે. આ બજેટને જોતા બેરોજગારીમાં વધારો થશે. નાના ઉદ્યોગોની હાલત કફોડી બની જશે. બજેટથી દેશને નવી દિશા મળશે તેવું કશું દેખાતું નથી. આ બજેટથી દેશની ગરીબ અને મધ્યમ વર્ગ પરેશાન થઇ જશે. મોંઘવારી માઝા મૂકશે.